પાકે. પંજાબમાં ડ્રોનથી 80 કિલો હથિયારો મોકલ્યાં, ચાર આતંકી ઝડપાયા

થોડા દિવસો પહેલા સાઉદી અરબમાં ડ્રોનનો દુરુપયોગ કરીને ઓઈલ રિફાઈનરી પર હુમલો કરવામાં આવ્યો હતો. એવી જ બીજી ઘટના ભારતમાં સામે આવી છે. પંજાબ સરહદેથી પાકિસ્તાને જીપીએસ સજ્જ ડ્રોન વિમાન દ્વારા કુલ ૮૦ કિલોગ્રામ જેટલી સ્ફોટક સામગ્રી પંજાબમાં ડિલિવર કરી છે.  

બે દિવસ પહેલા જ પંજાબ પોલીસે તરણ તારણ જિલ્લામાંથી ચાર ખાલિસ્તાની આતંકીઓને પણ ઝડપી લીધા હતા, જેમની પાસેથી ડ્રોન દ્વારા ડિલિવર થયેલા આ બધા હથિયારો મળી આવ્યા હતા. પંજાબ સરકારના કહેવા પ્રમાણે છેલ્લા દસ દિવસમાં સરહદ પારથી આઠ વખત ડ્રોન દ્વારા હથિયાર, ગ્રેનેડ, સેટેલાઈટ ફોન વગેરેની ડિલિવરી થઈ છે. ડિલિવરી થયેલી સામગ્રીમાં એક-૪૭નો પણ સમાવેશ થાય છે. ઉપરાંત ભારતમાં પ્રતિબંધિત છે, એવા સેટેલાઈટ ફોન પણ મળી આવ્યા છે. 

સુરક્ષા એજન્સીઓના કહેવા મુજબ આ સામગ્રી કાશ્મીરમાં આતંક ફેલાવા માટે મોકલાવામાં આવી છે. પરંતુ કાશ્મીરમાં રહેલા આતંકીઓ સુધી પહોંચે એ પહલા જ કાવતરું ખૂલ્લું પડી ગયું હતું. હથિયારોની હેરાફેરી માટે જે ડ્રોન વાપરવામાં આવ્યા હતા એ ચાઈનિઝ બનાવટના છે અને એક વખતમાં ૫ કિલોગ્રામ જેટલો સામાન ઊંચકી શકે છે. 

ધારા-૩૭૦ હટાવ્યા પછી કાશ્મીરમાં ઈન્ટરનેટ બંધ છે. એ સંજોગોમાં આતંકીઓ કમ્યુનિકેશન માટે સેટેલાઈટ ફોનનો ઉપયોગ કરતાં હોય છે. બીજી તરફ પંજાબ પોલીસે ચાર ખાલિસ્તાની આતંકવાદીઓની પણ ધરપકડ કરી હતી. આ ચારેય આતંકીઓ મારુતી સ્વિફ્ટમાં જઈ રહ્યા હતા એ વખતે ઝડપાયા હતા. આ આતંકીઓ પ્રતિબંધિત સંગઠન ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સના સભ્યો છે. આ સંગઠનને પાકિસ્તાનનો ટેકો છે. 

પંજાબમાંથી ખાલિસ્તાન નામનો પ્રાંત અલગ પાડી સ્વતંત્ર દેશ બનાવાની એક ડિમાન્ડ વર્ષોથી ચાલી આવે છે. એ ડિમાન્ડ પૂરી કરવા માટે નિયમિત રીતે આતંકનો સહારો લેવામાં આવે છે. અત્યારે ઘૂસેલા આતંકીઓ પાછળ પાકિસ્તાનમાં રહેલા ખાલિસ્તાની ચળવળકાર રણજીત સિંહ અને જર્મનીમાં રહેલા ગુરુમીત સિંહનો હાથ હોવાનું પંજાબ પોલીસે જણાવ્યું હતું. 

ડ્રોનખૂબ નીચા ઉડી શકતા હોવાથી રેડાર કે અન્ય સરહદી સર્વેલન્સ સિસ્ટમમાં તેને પકડવા મુશ્કેલ છે. પંજાબના મુખ્યમંત્રીએ આ ઘટના પછી કહ્યું હતું કે ડ્રોન દ્વારા હથિયારોની ડિલિવરી એ નવી અને અતી ગંભીર સમસ્યા છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલયે આ સમસ્યાના નિકાલ માટે તત્કાળ પગલાં ભરવા જોઈએ.  

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.