કોરોના વાયરસના કહર વચ્ચે પણ પાકિસ્તાન મોટા પાયે આતંકવાદીઓની કાશ્મીરમાં ઘૂસણખોરી કરવાના પ્રયાસો કરી રહ્યુ છે. જેનો ભારતીય સેના જડબાતોડ મુકાબલો કરી રહી છે.
જોકે આતંકીઓ સામેની લડાઈમાં ભારતીય સેનાએ પોતાની સ્પેશ્યલ ફોર્સના( પેરા રેજિમેન્ટ) પાંચ જવાનોને પણ ગુમાવ્યા છે. શહીદ થનારા આ પાંચે જવાનો અગાઉ ભારતે પાકિસ્તાનમાં ઘુસીને લોન્ચ પેડ પર કરેલી સર્જિકલ સ્ટ્રાઈકમાં પણ સામેલ હતા. સ્પેશ્યલ ફોર્સના જવાનો સૌથી ચપળ અને ઘાતક મનાય છે.
આ જવાનોની કાશ્મીરમાં કેરન સેક્ટરમાં 10000 ફૂટની ઉંચાઈએ આતંકીઓ સાથે કેવી સ્થિતિમાં લડાઈ થઈ હતી તેની રુંવાડા ઉભા કરી દે તેવી વિગતો બહાર આવી રહી છે. કેરન સેક્ટરમાં એક યુએવીએ લીધેલી તસવીરોના પગલે આતંકીઓની ઘૂસણખોરીની જાણકારી મળી હતીજોકે હવામાન ખરાબ હોવાથી રેગ્યુલર આર્મી યુનિટના બદલે સ્પેશ્યલ ફોર્સીસના જવાનોને મિશન પર મોકલવામાં આવ્યા હતા. તેમને હેલિકોપ્ટર થકી ઉતારવામાં આવ્યા હતા.
સેનાના સુત્રોનુ કહેવુ છે કે, ખરાબ હવામાન અને ઓછી વિઝિબિલિટી વચ્ચે સૂબેદાર સંજીવ કુમારના નેતૃત્વમાં સ્પેશ્યલ ફોર્સના જવાનોએ બરફમાં આતંકીઓના પગલા જોઈને તેમનો પીછો કર્યો હતો.તે વખતે ત્રણ જવાનો બરફમાં ફસાઈ ગયા હતા અને કમનસીબે આતંકીઓ પણ ત્યાં જ છુપાયેલા હતા. આતંકીઓને તેના કારણે ગંધ આવી ગઈ હતી અને તેમણે જવાનો પર તરત ફાયરિંગ કર્યુ હતુ.
જોકે સ્પેશ્યલ ફોર્સીસના જવાનોએ પણ જીવની બાજી લગાવી દીધી હતી.પોતાના ત્રણ સાથીદારોને ફસાયેલા જોઈને બીજા બે જવાનો પણ કુદી પડ્યા હતા.આ વખતે આતંકીઓ અને જવાનો લગભગ હાથોહાથની લડાઈ પર આવી ગયા હતા.બરફમાં ફસાયા હોવા છતા પેરા રેજિમેન્ટના શૂરવીરોએ પાંચ આતંકીઓને ઢાળી દીધા હતા. જોકે આ ટુકડીના 3 જવાનો પણ ગોળી વાગવાથી સ્થળ પર શહીદ થયા હતા. બાકીના બે હોસ્પિટલમાં પહોંચીને છેલ્લા શ્વાસ લીધા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.