– ખેડૂત સંગઠનોએ કેન્દ્રની દરખાસ્તો ફગાવી, કાયદા રદ કરવાની માગ પર મક્કમ
– વડાપ્રધાન, ગૃહમંત્રી, કૃષિમંત્રીના રાગ અલગ અલગ, 14મીએ પંજાબની બધી જ જિલ્લા ઓફિસોની બહાર ધરણાં
સરકાર કોઈપણ સમયે વાટાઘાટો માટે તૈયાર, જમીન પર ઉદ્યોગપતિઓ કબજો કરશે તેવી ખેડૂતોની શંકા ખોટી : કૃષિમંત્રી
ખેડૂતો ત્રણેય નવા કૃષિ કાયદાઓને પાછા ખેંચવા મુદ્દે અડગ રહેતાં જ્યારે સરકાર નવા કાયદાઓમાં સુધારા માટે જ સંમત થતાં ખેડૂતોનું આંદલોન વધુ ઉગ્ર બનવાની સંભાવના છે. કેન્દ્ર સરકારે મોકલેલી દરખાસ્ત ખેડૂત સંગઠનોએ ફગાવી દીધી હતી. તેમણે કહ્યું કે, અમે 10મી તારીખનું અલ્ટીમેટમ આપ્યું હતું.
વડાપ્રધાન અમારી વાત નહીં સાંભળે અને કાયદાઓ રદ નહીં કરે તો હવે ધરણાં હાઈવે ઉપરાંત રેલવે ટ્રેક પર કરવામાં આવશે. આજની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે સમગ્ર દેશના લોકોને રેલવે ટ્રેક પર લવાશે. બીજીબાજુ કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ખેડૂતોને આંદોલન ખતમ કરવાની વિનંતી કરી હતી.
સિંધુ બોર્ડરથી ખેડૂત નેતા બૂટાસિંહે કહ્યું કે હવે અમે દેશના હાઈવેની સાથે રેલવે ટ્રેક પર ધરણાં કરીશું. ટૂંક સમયમાં આ માટે તારીખો જાહેર કરવામાં આવશે. પંજાબમાં ટોલ પ્લાઝા, મોલ, રિલાયન્સના પમ્પ, ભાજપ નેતાઓની ઓફિસ અને ઘરો આગળ ધરણાં હજી પણ ચાલુ છે. 14મી તારીખે પંજાબની બધી જ જિલ્લા ઓફિસોની બહાર ધરણાં કરાશે. વડાપ્રધાન કહે છે કે વાતચીત ચાલુ રહેવી જોઈએ અને અમારૂં પણ એમ જ માનવું છે.
બીજીબાજુ કૃષિ મંત્રી કહે છે કે ખેડૂતો તેમના સુધારાઓ માનશે તો જ વાતચીત ચાલુ રહેશે, નહીં તો વાટાઘાટો નહીં થાય. ફરીથી અમારા પર શરતો લાદવામાં આવી છે… અમે આ બાબતની નિંદા કરીએ છીએ. વડાપ્રધાન કંઈક કહે છે, ગૃહમંત્રી બીજું કંઈક કહે છે અને કૃષિ મંત્રી અલગ કંઈક કહે છે.
અમારી બધા જ લોકોને વિનંતી છે કે આપણે એકત્ર રહેવાનું છે અને આપણી ચૂંટાયેલી સરકારે પણ એક થઈને ખેડૂતોની તરફેણમાં નિર્ણય લેવો જોઈએ.અન્ય ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે 12 ડિસેમ્બરે ખેડૂતો ટોલ ફ્રી કરાવશે. સરકારે ખેડૂતો સાથે મળીને એમએસપી પર કાયદો બનાવવાની જરૂર હતી. આજે સિંધુ બોર્ડર પર ખેડૂતોની બેઠક યોજાઈ હતી. તેમાં નિર્ણય લેવાયો છે કે ખેડૂતો ત્રણે બિલો પાછા ન ખેંચાય ત્યાં સુધી માનશે નહીં.
ભારતીય કિસાન સંગઠનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજેશ ચૌહાણ પણ સિંધુ બોર્ડરની બેઠકમાં જોડાયા હતા. તેમણે કહ્યું કે સરકાર શબ્દોમાં હેરાફેરી કરી રહી છે. ખેડૂતો ગુંચવાશે નહીં. આ ખેડૂતોના સન્માન, રોટી અને રોજગારી સાથે તેમના બાળકોના ભવિષ્યની લડાઈ છે. અનાજની એમએસપી યુપીમાં 1768 રૂપિયા છે, પરંતુ ખેડૂતો 900 રૂપિયામાં પાક વેચવા માટે મજબૂર છે.
દરમિયાન કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે ગુરૂવારે નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને આંદોલન ખતમ કરવાની વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે સરકારે ખેડૂતોને એક દરખાસ્ત મોકલી હતી. તેમાં ખેડૂતોના બધા જ સવાલોના જવાબ અપાયા હતા. તેમ છતાં જો તે કોઈ નિર્ણય પર પહોંચી ન શકતા હોય તો મને ખૂબ જ દુ:ખ છે.
હું ખેડૂતોને વિશ્વાસ અપાવવા માગું છું કે એમએસપી ચાલુ રહેશે. તેમણે ઉમેર્યું હતું કે, ખેડૂતોની પહેલી માગ કાયદા રદ કરવાની છે. સરકારનું માનવું છે કે કાયદાની જે જોગવાઈઓ સામે ખેડૂતોને વાંધો છે તેના પર સરકાર ખુલ્લા મનથી વાતચીત કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પહેલાથી જ દેશના અનેક રાજ્યોમાં ચાલી રહ્યું છે.
આ કાયદા હેઠળ એગ્રીમેન્ટ પ્રોસેસર અને ખેડૂતોના પાક વચ્ચે જ થશે. ખેડૂતોની જમીન સંબંિધત કોઈ કરાર તેમાં થઈ શકે તેમ નથી. એમએસપી અંગે સરકારે બધાને વિશ્વાસ અપાવ્યો છે કે એમએસપી ચાલુ રહેશે. તેના પર કોઈ જોખમ નથી. એમએસપી પર રવી અને ખરીફ પાકની ખરીદી આ વર્ષે ઘણી સારી થઈ છે.
મોદીજીના નેતૃત્વમાં એમએસપી દોઢ ગણી કરાઈ છે.કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું કે વીજળી અંગે કોઈ કાયદો આવી રહ્યો છે, જે ખેડૂતોને મુશ્કેલીમાં મુકશે તેમ ખેડૂતોનું માનવું છે. સરકાર તેમની આ આશંકા દૂર કરી ચૂકી છે. રાજ્ય સરકારો વીજળી વિતરણ કંપનીઓને વર્તમાન વ્યવસૃથા મુજબ જ, સબસિડીની રકમ હસ્તાંતરિત કરવાની વ્યવસૃથા સંશોધન કાયદામાં પણ રહેશે.
કાયદા બનાવવાની વર્તમાન પ્રક્રિયા ગેરબંધારણીય : ભાજપ નેતા
દેશમાં કોઈપણ કાયદો બનાવતાં પહેલાં તેનો ડ્રાફ્ટ પબ્લિક ડોમેનમાં નાંખવો જરૂરી છે. ત્યારે જ લોકો સૂચન કરશે અને પછી જે કાયદો બનશે તેમાં ખામીઓની સંભાવના ઓછી રહેશે. કૃષિ કાયદામાં પણ પહેલાં ડ્રાફ્ટ જનતા સમક્ષ આવ્યો નહોતો.
એવામાં આપને આગ્રહ છે કે કોઈપણ નવા કાયદાનો ડ્રાફ્ટ 60 દિવસ પહેલાં વેબસાઈટ પર નાંખવો જોઈએ. કાયદો બનાવવા માટેની વર્તમાન પ્રક્રિયા માત્ર અલોકતાંત્રિક જ નહીં ગેરબંધારણીય પણ છે તેવો એક પત્ર ભાજપના નેતા અને સુપ્રીમ કોર્ટના અગ્રણી વકીલ અશ્વિની ઉપાધ્યાયે વડાપ્રધાન મોદીને લખ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.