પાકિસ્તાન મરીન સિકયુરીટીએ ફરીથી અરબી સમુદ્રમાં નાપાક હરકત શરુ કરી હોય તેમ સૌરાષ્ટ્રની વધુ 5 બોટ અને 30 માછીમારોના અપહરણ કર્યા છે અને જેના પગલે અહીંના માછીમારોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ અંગે પોરબંદરના માછીમાર આગેવાન મનિષભાઈ લોઢારીએ જણાવ્યું હતું કે, ગઈકાલે સૌરાષ્ટ્રની કેટલીક બોટો ભારતીય જળસીમા નજીક માછીમારી કરી રહી હતી અને આ દરમિયાન અચાનક પાક મરીન સિકયુરીટીની પેટ્રોલિંગ શીપ ત્યાં ધસી આવી હતી અને મશીનગનના નાળચે 5 બોટો અને તેમાં રહેલ 30 માછીમારોના અપહરણ કર્યા હતા.
અપહરણ થયેલ બોટોમાં 2 બોટ માંગરોળની અને પોરબંદર, ઓખા અને વણાંકબારાની એક- એક બોટનો સમાવેશ થાય છે અને આ બોટો હજુ કરાંચી પહોંચી ન હોવાથી તેના નામ જાણી શકાયા નથી તેમજ અપહરણ થયેલ ખલાસીઓમાં મોટા ભાગના ઉના, ગીર સોમનાથ અને વલસાડ પંથકના હોવાનું જાણવા મળે છે.
પાક મરીન સિકયુરીટી દ્વારા ઓપરેશન મુસ્તૈદ શરૂ કર્યા બાદ છેલ્લા 25 દિવસમાં સૌરાષ્ટ્રની 20 બોટ અને 120 માછીમારોના અપહરણ કર્યા છે અને હાલમાં રાજ્યની અબજો રૂપિયાની કિંમતની 1200થી વધુ બોટો અને 600થી વધુ માછીમારો પાકિસ્તાનની કેદમાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.