સુરત આરટીઓએ રોંગ સાઇડમાં વાહન ચલાવતા 130 વાહનચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા તો સાથે જ 220 વાહનચાલકોને નોટિસ ફટકારી હતી.
સુરત: રસ્તા પર વાહન ચલાવતા ઘણા લોકો એવા જોવા મળશે કે જેઓ રોંગ સાઇડમાં વાહનો ચલાવતા હશે, કે સિગ્નલો તોડતા હશે કે ટ્રાફિકના બીજા નિયમોનું પાલન નહીં કરતા હોય. ત્યારે હવે સુરત RTOએ આ અંગે સખ્તાઈ અપનાવી છે. સુરતમાં હવે રોંગ સાઇડમાં વાહન હંકારતા વાહનચાલકોની ખેર નથી.
રોંગ સાઇડમાં વાહન ચલાવતા વાહનચાલકોની ખેર નહીં
સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા વધુ એક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુરત RTO દ્વારા રોંગ સાઈડ વાહન હંકારનારા વાહનચાલકો સામે કાર્યવાહી કરાઈ હતી. રોંગ સાઈડ વાહન હંકારતા ઝડપાયેલા વાહનચાલકોની વિગત આરટીઓને મોકલાવી હતી. તો આરટીઓએ આ અંગે સખત વલણ અપનાવતા 130 વાહનચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા હતા. સાથે જ 220 વાહનચાલકોને નોટિસ ફટકારી હતી.
CCTVમાં કેદ થયેલા વાહનચાલકોને RTOએ નોટિસ ફટકારી છે. રોંગ સાઈડ વાહન હંકારતા પકડાયેલા વાહન માલિકોને RTO દ્વારા નોટિસ ફટકારવામાં આવી રહી છે. નોટિસ ફટકારી તેઓને સાંભળવામાં આવે છે ત્યારબાદ લાઇસન્સ સસ્પેન્ડ કરવા અંગે નિર્ણય લેવામાં આવે છે. નોટિસ ફટકારીને વાહનચાલકો પાસેથી ચોક્કસ સમયમર્યાદામાં નોટિસનો જવાબ માંગવામાં આવ્યો છે. વાહન ચાલકોના ખુલાસા બાદ RTO વધુ કાર્યવાહી હાથ ધરશે.
સુરત RTO અધિકારી આકાશ પટેલે આ અંગે જણાવ્યું કે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા જે પણ વાહનચાલકો રોંગ સાઈડ વાહન ચલાવતા હોય છે, અન્ય લોકોને અડચણરૂપ હોય છે, ઓવર સ્પીડિંગ જેવા ગુનાઓ કરતા હોય છે એવા વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની પ્રકિયા હાથ ધરવામાં આવી હતી. એના ભાગરૂપે છેલ્લા 15 દિવસમાં 130 વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે, જેની સુનાવણી પણ પૂર્ણ થઈ ગઈ છે. વધુમાં 220 લોકોને નોટિસ ફટકારવામાં આવી છે. પોલીસ સીસીટીવીમાં જેઓએ સૌથી વધુ વખત આવા ગુનાઓ કરતા દેખાયેલા લોકોને નોટિસ પાઠવવામાં આવી છે અને તેમને હાજર થવાનો સમય પણ આપવામાં આવ્યો છે. તેમને પોતાનો ખુલાસો રજૂ કરવાની તક આપી રહ્યા છીએ. આ પછી તેમના ખુલાસાઓના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.