વલસાડના ઝંબૂરી-દમણ બોર્ડર પર વેપારીની કારમાંથી 16 લાખની રોકડ મળતા તપાસ હાથ ધરાઈ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને લઈને હાલ આચારસંહિતા અમલમાં છે. ત્યારે, સ્ટેટ મોનિટરિંગની ટીમે વલસાડ જિલ્લાની ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન ગુજરાત અને દમણની બોર્ડર પર ઉમરગામના એક વેપારી હર્ષ રાણાની કારમાંથી રોકડા 16 લાખ રૂપિયા મળી આવ્યાં હતા. જેથી તેની અટકાયત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

News Detail

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને લઈને હાલ આચારસંહિતા અમલમાં છે. સાથે જ ગુજરાતના અન્ય સરહદી જિલ્લાની ચેકપોસ્ટ સાથે વલસાડ જિલ્લાની તમામ ચેકપોસ્ટ પર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી છે. સ્થાનિક પોલીસ અને CRPF ના જવાનોને ચેકપોસ્ટ પર તૈનાત કર્યા છે. એવામાં 2 દિવસ અગાઉ વલસાડના ભિલાડ નજીકના ઝંબૂરી-દમણ ચેકપોસ્ટ પર ચેકીંગ દરમ્યાન એક કાર ચાલક વેપારી પાસેથી 16 લાખની રોકડ રકમ મળી આવતા તેની પૂછપરછ કરી રોકડ રકમ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ જિલ્લો મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીને અડીને આવેલો જિલ્લો છે. વલસાડ જિલ્લાની બોર્ડર ઉપર 72 જેટલી ચેકપોસ્ટ છે. ગુજરાત અને દમણની બોર્ડર પર વાહન ચેકિંગ દરમિયાન સ્ટેટ મોનિટરિંગની ટીમે ઉમરગામ-દમણમાં ફૂડ કોર્નર અને મોલ ચલાવતા સંચાલક હર્ષ રાણાને કાર સાથે અટકાવ્યા હતાં. જેની કારમાં ચકાસણી કરતા 16 લાખની રોકડ મળી આવી હતી. સ્ટેટ મોનિટરિંગની ટીમ દ્વારા કારને ડિટેન કરી વેપારીની પૂછપરછ હાથ ધરી છે. વેપારીએ દમણમાં રહેતા મામાને રૂપિયા આપવા જઈ રહ્યો હોવાનું કારણ જણાવ્યું હતું. જો કે આ મામલે સુરક્ષા વિભાગે ઇન્કમટેક્ષ વિભાગને જાણકારી આપી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી ને લઈ આચારસંહિતા લાગુ પડી છે. એટલે આ દિવસો દરમ્યાન કોઈપણ વ્યક્તિ 50 હજારથી વધુની રોકડ રકમ સાથે લઈ જઈ શકતો નથી. અને જો તેનાથી વધુ રકમ કોઈ પાસે મળે તો તે જપ્ત કર્યા બાદ તેના યોગ્ય આધાર પુરાવા રજૂ કર્યા બાદ જ તે રકમ તેને પરત કરાય છે. એટલે આ કેસમાં પણ વેપારીએ રજૂ કરેલ કારણ વાજબી છે કે કેમ તેની ખરાઈ કરી તે બાદ જ તે રકમ વેપારીને સુપ્રત કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.