ડ્રગ સંબંધી કેસમાં બોમ્બે હાઈકોર્ટે અભિનેત્રી રિયા ચક્રવર્તીને એક મહિનાના જેલવાસ બાદ જામીન મંજૂર કર્યા છે. કોર્ટે રિયાને તેનો પાસપોર્ટ સુપરત કરવા તથા રૂ.એક લાખના પર્સનલ બોન્ડ રજૂ કરવા જણાવ્યું છે. જોકે તેના ભાઈ શૌવિકની જામીન અરજી ફગાવી દેવાઈ છે.
ન્યા. સારંગ કોતવાલની બેન્ચે રાજપૂતના સાથીદાર દીપેશ સાવંત અને સેમ્યુઅલ મિરાન્ડાને પણ જામીન મંજૂર કર્યા હતા. જ્યારે કથિત ડ્રગ દાણચોર અબ્દુલ બસીત પરિહારની અરજી ફગાવી છે. આદેશને પડકારવા તેના પર સ્ટે આપવાની એનસીબીની અરજી પણ ફગાવાઈ હતી.
જામીન માટે અમે કડક શરતો લાદી છે. રિયાના વકિલ સતીશ માનશિંદેએ હાઈકોર્ટના ચુકાદાને આવકાર્યો હતો અને જણાવ્યું હતું કે ચક્રવર્તી પરિવાર આદેશથી ખુશ છે. સચ્ચાઈ અને ન્યાયની જીત થઈ છે અને હકીકત અને કાયદા પરની દલીલ કોર્ટે સ્વીકારી છે, એમ તેમણે જણાવ્યું હતું.
રિયાની ધરપકડ અને કસ્ટડી તદ્દન બિનજરૂરી હતા અને કાયદાની પહોંચ બહાર હતા. સીબીઆઈ, ઈડી અને એનસીબીએ રિયાનો પીછો છોડવો જોઈએ. અમે સત્યને વળગીને છીએ એમ તેમણે જણાવ્યું હતું. અગાઉ ભાઈ બહેનની અદાલતી કસ્ટડી 20 ઓક્ટોબર સુધી લંબાવાઈ હતી. નવ સપ્ટેમ્બરે એનસીબીએ રિયાની ધરપકડ ડ્રગ્સ પ્રકરણે કરી હતી.
હાઈકોર્ટે જામીન મંજૂર કરતી વખતે નોંધ્યું હતું કે રિયા ડ્રગ ડિલરનો હિસ્સો નથી.તેણે મેળવેલું ડ્રગ્સ પૈસા રળવા અન્ય કોઈને પહોંચાડયું નથી. તેનો કોઈ ગુનાહિત ભૂતકાળ નથી. જામીન પર અન્ય કોઈ અપરાધ કરે એવું માનવાનું કોઈ કારણ નથી.
એનડીપીએસ એક્ટની સંબંધીત કલમો હેઠળ સજાપાત્ર કોઈ ગુનો તેણે કર્યો નથી કે કમર્શિયલ માત્રા ધરાવતો કોઈ ગુનો કર્યો, એમ કોર્ટે નોંધ્યું હતું. શૌવિકની અરજી ફગાવતી વખતે કોર્ટે નોંધ્યું હતું કે તે ડ્રગ ડીલરોને ઓળખે છે. એટલું જ નહીં પણ તેમના સંપર્કમાં હતો અને તેમની સાથે વ્યવહાર કરતો હતો.
આ તબક્કે તપાસ એજન્સી પાસે પૂરતા પુરાવા છે જે દર્શાવે છે કે શૌવિક ડ્રગ ડીલરની સાંકળનો ભાગ છે અને ગેરકાયદે ડ્રગ દાણચોરીમાં સંકળાયેલો છે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ સીબીઆઈ અને ઈડીની તપાસમાં તેની પ્રેમીકા રિયાના ફોન પરથી અમુક વાતચીત ડ્રગ સંબધી મળી હતી. આથી એનસીબીને કેસની તપાસ સોંપાઈ હતી.
અભિનેતાના પરિવારજનો અને વકીલનો દાવો
સુશાંતના મોત અંગે એઇમ્સનો રિપોર્ટ વિશ્વસનીય નથી
વકીલે સીબીઆઇને પત્ર લખી નવી મેડીકલ ટીમની રચના કરવાની માગ કરી
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 7 ઓક્ટોબર, 2020, બુધવાર
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના વકીલ વિકાસ સિંહે આજે દાવો કર્યો હતો કે એઇમ્સની ફોરેન્સિક ટીમ દ્વારા રજૂ કરવામાં આવેલો અહેવાલ વિશ્વસનીય નથી. સુશાંત સિંહના વકીલે સીબીઆઇને પત્ર લખીને માગ કરી છે કે આ કેસ માટે નવી મેડીકલ ટીમની રચના કરવામાં આવે.
સુશાંત સિંહના વકીલે માગ કરી છે કે સીબીઆઇ એઇમ્સની ટીમની વર્તણૂક અને આ ટીમ તાજેતરમાં કોને કોને મળી હતી તેની પણ તપાસ કરવામાં આવે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો નવી મેડીકલ ટીમની રચના કરવામાં નહીં આવે તો તે કોર્ટનો સંપર્ક સાધશે. વકીલના જણાવ્યા અનુસાર રાજપુતનું મોત આત્મહત્યાથી થયું હતું કે નહીં તે ફક્ત સીબીઆઇ જ નક્કી કરશે.
એઇમ્સને કોઇ અિધકાર નથી કે તે નક્કી કરે કે સુશાંતે આત્મહત્યા કરી હતી કે નહીં,. રાજપૂતના પરિવારે આજે સીબીઆઇને પત્ર લખી આક્ષેપ કર્યો હતો કે સુશાંતનો ફોરેન્સિક રિપોર્ટ લીક થવાની ઘટના પુરવાર કરે છે કે એઇમ્સના ડાયરેક્ટર સુધીર ગુપ્તાની વર્તણૂક અનપ્રોેફેશનલ છે.
યોગ્ય રીતે તપાસ કરવા માટે નવી મેડીકલ ટીમની રચના કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલા એઇમ્સ, દિલ્હીની ટીમે જણાવ્યું હતું કે સુશાંતસિંહ રાજપૂતનું મોત આત્મહત્યાને કારણે થયું છે. તેના શરીર પર લટકવા સિવાય કોઇ પણ પ્રકારની ઇજાના ચિહ્નો નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.