સુરતના કતારગામમાં હીરાનો વેપાર કરતા વેપારી પાસેથી સરથાણામાં રહેતા વેપારીએ 20 લાખના હીરા તૈયાર કરવા માટે લઇ પરત આપ્યા ન હતા જેથી વેપારીએ હીરાની માંગણી કરતાં સામેથી જવાબ મળ્યો કે, હાલમાં મારી પાસે હીરા નથી, તારાથી થાય તે કરી લે. આ બનાવ અંગે કતારગામ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ સીમાડા નાકા પાસે યોગીદર્શન સોસાયટીમાં રહેતા અલ્પેશ ગોરધન પોકિયા કતારગામના વસ્તા દેવડી રોડ ઉપર આવેલી ડાયમંડ મર્ચન્ટ ફેક્ટરીમાં સવા વર્ષથી મેનેજર તરીકે નોકરી કરે છે અને એક વર્ષ પહેલાં તેમની મુલાકાત સરથાણાના વ્રજવાટી સોસાયટીમાં રહેતા ભરત નાથા પાટોડિયા સાથે થઇ હતી. ભરત પાટોડિયા અલ્પેશની ઓફિસે આવ્યો હતો અને કહ્યું કે, હું તમને મજૂરીથી હીરા તૈયાર કરી આપીશ અને સમયસર પરત આપી દઇશ જેથી અલ્પેશે ભરતને શરૂઆતમાં થોડા હીરા આપ્યા હતા.અને ભરત સમયસર હીરા પરત આપી જતો હતો. દરમિયાન ભરતે રૂ.20 લાખની કિંમતના 832 હીરા તૈયાર કરવા માટે લીધા હતા. સમયમર્યાદામાં હીરા પરત નહીં આવતાં અલ્પેશે ફોન કર્યો હતો.અને ત્યારે ભરતે કહ્યું કે, બે દિવસમાં હીરા તૈયાર કરીને આપી જાઉં છું. બે દિવસ બાદ અલ્પેશે ફરી ફોન કરતાં ભરતે કહ્યું કે, હાલમાં મારી પાસે હીરા નથી, તારાથી થાય તે કરી લે. અલ્પેશે ભરતના ઘરે જઇ તપાસ કરતાં તેના ઘરે તાળું મારેલું હતું અને આ સમગ્ર બનાવ અંગે ભરતની સામે કતારગામ પોલીસે ઠગાઇનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.