કેન્દ્ર સરકાર રિઝર્વ બેંક પાસેથી 45 હજાર કરોડ રૂપિયાની મદદ લેવાની તૈયારી
કોરોના વાયરસના કારણે નબળા પડેલા દેશના અર્થતંત્રને ફરીથી વેગવંતુ બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશેષ આર્થિક પેકેજ જાહેર કર્યું છે. દેશની જનતાને સંબોધિત કરતી વખતે વડાપ્રધાને જણાવ્યું હતું કે, સરકારના વર્તમાન નિર્ણય અને રિઝર્વ બેંકની જાહેરાતોને ભેગી કરીને આ પેકેજ આશરે 20 લાખ કરોડ રૂપિયાનું હશે.
તે દેશના કુલ ઘરેલુ ઉત્પાદન એટલે કે, જીડીપીના 10 ટકા જેટલી રકમ છે. નાણાં મંત્રી નિર્મલા સીતારામણ આ પેકેજ અંગે વિસ્તૃત વિગતો આપશે પરંતુ સરકાર પાસે આ આર્થિક પેકેજ માટેના પૈસા ક્યાંથી આવશે તે એક સવાલ છે.
ઉધાર લઈ રહી છે સરકાર
હકીકતે સરકારે ચાલુ નાણાંકીય વર્ષ માટે બજારમાંથી ઉધારી લેવાનું લક્ષ્ય વધારીને 12 લાખ કરોડ રૂપિયા કરી દીધું છે. મહત્વની વાત એ છે કે, સામાન્ય બજેટમાં તે માટેનું લક્ષ્ય 7.8 લાખ કરોડ રૂપિયા જ રાખવામાં આવ્યું હતું.
મતલબ કે, સરકાર આ વર્ષે વધારાના 4.2 લાખ કરોડ રૂપિયાની ઉધારી લેશે. થોડા દિવસ પહેલા જ સરકારે કોરોના સંકટના કારણે લોન માટેનું લક્ષ્ય વધારવું જરૂરી થઈ ગયું છે તેમ જણાવ્યું હતું. પ્રથમ છ મહીનામાં 6 લાખ કરોડ રૂપિયા માર્કેટ ગિલ્ટ (બોન્ડ) દ્વારા એકત્રિત કરવામાં આવશે. આ પૈસાનો ઈકોનોમીને કોરોનાથી બચાવવા ઉપયોગ કરવામાં આવશે.
શું અસર થશે?
થોડા સમય પહેલા જાપાની બ્રોકરેજ ફર્મ નોમુરાએ સરકાર 12 લાખ કરોડ રૂપિયાની ઉધારી બજારમાંથી લઈ રહી છે તેમ કહ્યું હતું. તેનાથી નાણાંકીય ખોટ 5.5થી 6 ટકા થઈ શકે છે જ્યારે સરકારે આ વર્ષે તે 3.5 ટકા રહેશે તેવું અનુમાન લગાવેલું.
સરકાર માટે આ નાણાંકીય ખોટ ખટાડવી એક મોટો પડકાર છે. જો કે, તેના માટે અનેક પ્રયત્નો પણ થઈ રહ્યા છે. પેટ્રોલ-ડીઝલ પરનો ટેક્સ વધારવાથી સરકારી ખજાનામાં 1.4 લાખ કરોડ રૂપિયા આવશે. હાલ કાચા તેલની કિંમતોમાં ઐતિહાસિક ઘટાડો નોંધાઈ રહ્યો છે જેથી સરકાર માટે ટેક્સ લગાવવો વધુ સરળ બન્યો છે. તેનાથી સામાન્ય જનતાને પેટ્રોલ-ડીઝલ પર કોઈ રાહત નહીં મળે અને ભાવમાં ખાસ કોઈ ફરક નહીં આવે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પણ મદદ કરશે
કોરોના સંકટ દરમિયાન ભારતીય રિઝર્બ બેંક પણ સરકારની મદદ કરશે. એક અહેવાલ પ્રમાણે કેન્દ્ર સરકારે રિઝર્વ બેંક પાસેથી 45 હજાર કરોડ રૂપિયાની મદદ લેવાની તૈયારી કરી છે. રિઝર્બ બેંક મોટા ભાગે કરન્સી અને સરકારી બોન્ડના ટ્રેડિંગ દ્વારા નફો કમાય છે. આ કમાણીનો એક હિસ્સો આરબીઆઈ પોતાના સંચાલન અને ઈમરજન્સી ફન્ડ તરીકે રાખે છે. ત્યાર બાદ બચેલી રકમ ડિવિડન્ડ તરીકે સરકારને મળે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.