2012ના નિર્ભયા રેપકાંડની આજે 12મી વરસી, 12 વર્ષમાં મહિલાઓ સામેના અપરાધો વધ્યા જાણો શું કહે છે NCRBના આંકડા પણ ચિંતાજનક છે.

નિર્ભયા કાંડના12 વર્ષ બાદ પણ ભારતમાં મહિલાઓ સામેના ગુનાઓમાં કોઈ ઘટાડો થયો નથી. છેલ્લા 10 વર્ષના NCRBના આંકડા પણ ઘણા ચિંતાજનક છે, છેલ્લા એક વર્ષમાં મહિલાઓ સામેના ગુનાઓની 4 લાખથી વધુ ફરિયાદો નોંધાઈ છે. દેશમાં રેપ મામલે કડક સજાની જોગવાઈ હોવા છતાં સજાનો દર ઘણો ઓછો છે. ન્યાયિક પ્રક્રિયામાં વિલંબ અને પુરાવાના અભાવે દોષીઓ છૂટી જાય છે. હજુ મહિલા સુરક્ષા માટે વધુ કડક પગલાં જરૂરી છ 16 ડિસેમ્બરની રાત્રે રાજધાની દિલ્હીમાં ચાલતી બસમાં એક ફિઝિયોથેરાપી વિદ્યાર્થી સાથે બર્બરતાની તમામ હદો પાર કરી દેવામાં આવી. DTCની બસમાં તેના મિત્રની હાજરીમાં 6 લોકોએ તેના પર સામૂહિક પાશવી બળાત્કાર ગુજાર્યો. બાદમાં અધમૂઈ હાલતમાં તેને અને તેના મિત્રને બસની બહાર રસ્તા પર ફેંકી દેવામાં આવ્યા. આ ઘટનાના થોડા દિવસો બાદ યુવતીનું મોત થઈ ગયુ

તેને નિર્ભયા નામ આપવામાં આવ્યુ. જે બાદ 8 વર્ષ સુધી ન્યાય માટે તેના માતા કોર્ટ કચેરીઓના ચક્કર કાપતા રહ્યા અને આખરે 2020માં નિર્ભયાના દોષીતોને ફાંસી આપવામાં આવી.આ 8 વર્ષમાં એક દોષીત સગીર હોવાથી 3 વર્ષની સજા કાપી બહાર આવી ગયો. જ્યારે એક દોષીતે જેલમાં જ આત્મહત્યા કરી લીધી અને બાકી રહેલા 4 દોષીતોને માર્ચ 2020માં ફાંસી આપવામાં આવી.

દિલ્હીના આ અતિ જઘન્ય રેપકાંડના સમગ્ર દેશમાં પડઘા પડ્યા, સમગ્ર દેશમાં તેની સામે દેખાવો થયા. આ કાંડ બાદ સરકારે પણ કાયદામાં બદલાવ કરવો પડ્યો. રેપ માટે સખ્ત સજાની જોગવાઈ કરવામાં આવી. આજે નિર્ભયાકાંડને 12 વર્ષ પુરા થઈ ગયા. પરંતુ NCRBના આંકડા જણાવે છે કે સખ્ત સજાનો કાયદો હોવા છતા આપણા દેશમાં રેપના કેસમાં ના તો ઘટાડો થયો છે અને ના તો કસૂરવારોને સજા આપવાનો ગ્રાફ વધ્યો છે.

NCRB જણાવે છે કે ભારતમાં સમગ્ર વર્ષ દરમિયાન મહિલાઓ સાથેના અપરાધોના 4 લાખથી વધુ ફરિયાદો નોંધાય છે. આ કેસમાં માત્ર રેપ નહીં પરંતુ છેડતી, અપહરણ, એસિડએટેક, દહેજ ઉત્પીડન અને મહિલાઓની તસ્કરી સહિતના કેસો સામેલ છે.

સખ્ત સજાની જોગવાઈ છતા ન ઘટ્યા ગુન્હા
16 ડિસેમ્બરની 2012ની એ રાતે દિલ્હીની સડક પર ચાલતી બસમાં યુવતી સાથે જે પાશવી રીતે સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. જેમા આરોપીઓએ બર્બરતાની, ક્રુરતાની તમામ હદો પાર કરી દીધી હતી. જેમા સારવાર દરમિયાન નિર્ભયાનું મોત થયુ હતુ. આ કાંડે સમગ્ર દેશને વ્યથિત કરી દીધો હતો. નિર્ભયા કાંડ બાદ કાયદામાં સખ્ત સજાની જોગવાઈ કરવામાં આવી. જેથી મહિલાઓ સામેના ગુનાઓમાં ઘટાડો આવે. પહેલા બળજબરી અને અસહમતીથી બનેલા સંબંધોને જ રેપ ગણવામાં આવતા હતા. જે બાદ 2013માં કાયદામાં સંશોધન કરી તેનો વ્યાપ વધારવામાં આવ્યો.

આ સાથે જુવેનાઈલના કાયદામાં પણ સંશોધન કરવામાં આવ્યો. જે બાદ જો કોઈ 16 વર્ષ કે 18 વર્ષની ઉમરનો કિશોર જઘન્ય ગુનો કરે છે તો તેના સાથે પણ વયસ્કોની જેમ જ વર્તવામાં આવશે. આ સંશોધન એટલે કરવામાં આવ્યો કારણ કે નિર્ભયાના દોષીતોમાં એક સગીર હતો અને માત્ર ત્રણ વર્ષની સજા કાપીને છૂટી ગયો જ્યારે બર્બતાની તમામ હદો પાર કરવામાં તેણે પણ કોઈ કસર બાકી રાખી નહોંતી.

આ ઉપરાંત રેપના કેસમાં મોતની સજાની જોગવાઈ પણ કરવામાં આવી. જે બાદ જો રેપ બાદ પીડિતાનું મોત થઈ જાય છે અથવા તે કોમા જેવી સ્થિતિમાં આવી જાય છે તો દોષીને ફાંસીની સજા પણ થઈ શકે છે.

જો કે કાયદામાં સુધાર કરી સખ્ત સજાની જોગવાઈ કર્યા બાદ પણ મહિલાઓ સામેના અપરાધોમાં કોઈ કમી આવી નથી. આંકડા જણાવે છે કે પહેલા દર વર્ષે રેપના સરેરાશ 25 હજાર કેસ નોંધાતા હતા. 2012 ના નિર્ભયા કાંડ બાદ આ આંકડો 30 હજારની ઉપર પહોંચી ગયો છે. 2013માં જ 33 હજાર કેસ નોંધાયા હતા અઅને 2016માં તો આ આંકડો વધીને 39 હજારે પહોંચી ગયો છે.

આ આંકડા ઘણા ચોંકાવનારા અને ડરામણા છે
મહિલાઓ વિરુદ્ધના ગુનાઓના આંકડા ડરાવનારા છે. 2012માં મહિલાઓ વિરુદ્ધના ગુનાના 2.44 લાખ કેસ નોંધવામાં આવ્યા હતા. જ્યારે 2022માં 4.45 લાખથી વધુ કેસ નોંધવામાં આવ્યા. એટલે કે રોજના સરેરાશ 1200થી વધુ કેસ..

આ તરફ રેપના કેસમાં પણ વધારો થયો છે. NCRBના રિપોર્ટ અનુસાર 2012માં રેપના 24,923 કેસ નોંધાયા હતા. એટલે કે રોજના સરેરાશ 68 કેસ, જ્યારે 2022માં 31,516 કેસ નોંધાયા હતા. જે હિસાબે રોજના સરેરાશ 86000 કેસ. એટલે કે દર કલાકે 3 અને દર 20 મિનિટે 1 મહિલા સાથે રેપની ઘટનાનો શિકાર બની છે.

સૌથી વધુ રેપના કેસમાં રાજસ્થાન ટોપ પર
જો રાજ્યોની વાત કરીએ તો રેપના સૌથી વધુ કેસ રાજસ્થાનમાંથી સામે આવે છે. 2022માં રાજસ્થાનમાં રેપના 5,399 કેસ નોંધાયા હતા.

સૌથી વધુ રેપના કેસમાં યુપી બીજા નંબરે
બીજા નંબરે 3690 કેસ સાથે ઉત્તર પ્રદેશ છે. મેજોરિટી રેપના કેસમાં જે આરોપી હોય છે તે પીડિતાની ઓળખાણવાળા પૈકીનો જ હોય છે. આંકડા જણાવે છે કે રેપના 96 ટકા કેસમાં આરોપી ઓળખાણ વાળો અથવા તો સંબંધી જ હોય છે.

મોટાભાગના રેપના કેસમાં આરોપી પીડિતાનો જાણીતો જ હોય છે
2022માં રેપના 31,516 કેસ નોંધાયા હતા. જેમા 30,515 કેસમાં આરોપી પીડિતાની ઓળખાણવાળો જ હોવાનું સામે આવ્યુ છે. જેમા 2324 આરોપી તો એવા હતા જે પીડિતાના પરિવારના જ કોઈ સભ્ય હતા. જ્યારે 14,582 કેસમાં ઓનલાઈન ફ્રેન્ડ, લિવ ઈન પાર્ટનર કે લગ્નની લાલચ આપીને ફસાવનારા હતા. જ્યારે 13,548 કેસ એવા હતા જેમા આરોપી કોઈ પારિવારીક મિત્ર, પડોસી કે અન્ય ઓળખાણવાળા જ હતા.

રેપના કેટલા કેસમાં સજા થઈ?
NCRBના આંકડા અનુસાર રેપના કેસમાં સજા મળવાનો દર 27 થી 28% છે. એટલે કે રેપના 100 માંથી 27 કેસમાં આરોપી દોષી સાબિત થાય છે. બાકીના કેસમાં તેને છોડી દેવામાં આવે છે. રિપોર્ટ જણાવે છે કે 2022ના અંત સુધીમાં દેશભરની કોર્ટમાં રેપના લગભગ 2 લાખથી વધુ કેસ પેન્ડિંગ હતા. 2022માં આ પેન્ડિંગ કેસોમાંથી માત્ર 18.5 હજાર કેસમાં જ ટ્રાયલ પુરી થઈ શકી હતી અને જેની ટ્રાયલ પુરી થઈ ગઈ હતી તેમાથી માત્ર 5 હજાર કેસમાં જ દોષીને સજા થઈ હતી. જ્યારે 12000 થી વધુ કેસમાં આરોપીને છોડી દેવામાં આવ્યા હતા.

બ્રિટન જેવા દેશમાં રેપના કેસમાં સજા મળવાનો દર 60% છે. જ્યારે કેનેડામાં રેપના કેસમાં કન્વિક્શન રેટ 40% છે.
રેબેકા એમ.જોન નામના વકીલે ન્યૂજ એજન્સી રોયટર્સને જણાવ્યા મુજબ ભારતમાં જજ રેપના આરોપીઓને સજા આપવાથી બચે છે. તેમનુ માનવુ છે કે જો પૂરાવાનો અભાવ હોય તો આરોપીને છોડી દેવામાં આવે છે. જ્યારે આરોપીને કંઈને કંઈ સજા તો જરૂર થવી જોઈએ જેથી તે દોષી સાબિત થઈ શકે. આટલુ જ નહીં, રેપના કેસમાં ફાંસીની સજાની જોગવાઈ હોવા છતા છેલ્લા 24 વર્ષમાં માત્ર 5 દુષ્કર્મીઓને ફાંસીની સજા થઈ છે. જેમા 2004માં ધનંજય ચેટર્જીને 1990ના બળાત્કાર કેસમાં ફાંસી દેવામાં આવી હતી. જે બાદ માર્ચ 2020માં નિર્ભયાના 4 દોષીતો મુકેશ, વિનય, પવન અને અક્ષયને તિહાડ જેલમાં ફાંસી આપવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.