2020ની ચૂંટણી જીતવા માટે ટ્રમ્પની ચીનના પ્રમુખ જિનપિંગ સાથે સોદાબાજી

અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોહન બોલ્ટનના આગામી તા. ૨૩ જૂનના રોજ બજારમાં મુકાનાર પુસ્તકના હજુ તો પ્રિવ્યૂ જ અમેરિકા અને યુરોપના દેશોના અખબારોમાં પ્રકાશિત થયા છે અને ટ્રમ્પની આબરૂના લીરા ઉડી ગયા છે.

બોલ્ટને પુસ્તકમાં લખ્યું છે કે, કોરોના પછી ભારત સહિત વિશ્વના દેશોને ચીન સામે ભીડાવી દેનાર ટ્રમ્પે જ ગયા વર્ષે ચીનના પ્રમુખ જિનપિંગ જોડે ૨૦૨૦ની અમેરિકાની પ્રમુખપદ માટેની ચૂંટણીમાં બીજી ટર્મ ચૂંટાવા માટે મદદ માંગતો સોદો કર્યો છે.

બોલ્ટન પોતે જ સમગ્ર ઘટનાના સાક્ષી છે તેમણે એક પ્રકરણમાં જણાવ્યું છે કે, ટ્રમ્પે ૨૦૧૯માં જાપાનમાં યોજાયેલ સમિટમાં જિનપિંગને વિનંતી કરી હતી કે ‘અમેરિકાના મધ્ય પશ્ચિમના રાજ્યો ખેતીપ્રધાન છે. ખેડૂતોની વોટબેંક નિર્ણાયક પુરવાર થતી હોય છે. જો ખેડૂતોના ધાન્યની ઉપજ ઉંચા ભાવથી વિપુલ જથ્થામાં ચીન ખરીદશે તો ખેડૂતો સમૃદ્ધ થતાં ખુશી અનુભવશે અને મારા પ્રચાર તંત્રને કામે લગાડી હું આ ખેડૂત લોબીના મતો મેળવી શકીશ. હું આ ખેડૂત લોબીના મતો સામે ચીનને કૃષિ આયાત કરમાં નોંધપાત્ર રાહત આપીશ.’

ચીનના પ્રમુખ જિનપિંગને તો ખંધાઈમાં કોણ પહોંચે તેમણે વળતો સોદો કર્યો છે કે, ‘અમે અમારા દેશમાં ૧૦ લાખ જેટલા અસામાજિક તત્તવો જેવા ઉઈગર મુસ્લિમોને યાતનાપૂર્ણ જેલોમાં કેદ કરવા માંગીએ છીએ. અમેરિકા અને હ્યુમન રાઇટ્સ તેનો વિરોધ કરતું આવ્યું છે અમે ઇચ્છીએ કે અમેરિકા અમારા આવા કેમ્પ યોગ્ય છે તેમ વિશ્વ મંચ પર જાહેર કરીને અમને ટેકો આપે. લોબિઇંગ પણ કરી આપે.’ બોલ્ટન લખે છેકે, ટ્રમ્પે આ માટેની જિનપિંગને સંમતિ આપી દીધી હતી.

બોલ્ટને કેટલાયે ચોંકાવનારા પ્રસંગો પુસ્તકમાં જણાવ્યું છે. બોલ્ટનનું કહેવું છે કે ટ્રમ્પે ચીન સહિત પ્રત્યેક મહત્ત્વના દેશ જોડે એ ગણતરીએ જ સંબંધ રાખ્યા છે કે, તેને ૨૦૨૦ની ચૂંટણીમાં વિજય મળે અને કોઈને કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ આ માટે સોદાબાજી કરી છે.

ટ્રમ્પને વિશ્વ રાજકારણ અને જે તે દેશની વિશિષ્ટતા, ભૌગોલિકતાનું ભારે અજ્ઞાન છે. બ્રિટન પરમાણું શસ્ત્ર સજ્જ દેશ છે તેની ટ્રમ્પને ખબર જ નહોતી તેમ પણ બોલ્ટને લખ્યું છે.

બોલ્ટન વધુમાં જણાવે છે કે, ટ્રમ્પ જોડે સલાહકાર તરીકે રહેવું તે પણ દેશનું અહિત અને વ્યક્તિગત કારકિર્દીની રીતે નિમ્ન સ્તરનું લાગે ટ્રમ્પ કોઈનું સન્માન પણ નથી જાળવતા આથી જ મેં રાજીનામું આપ્યું હતું. જો કે ટ્રમ્પ એવો દાવો કરે છે કે મેં જ બોલ્ટનને પાણીચું આપ્યું હતું.

હવે બોલ્ટનનું પુસ્તક પ્રકાશિત થવાનું છે ત્યારે ટ્રમ્પ સરકારે આ પુસ્તક રાષ્ટ્રીય સુરક્ષાને જોખમાવે તેવું છે તેમ જણાવી તેના પ્રકાશન પર જ પ્રતિબંધ મૂકવા કોર્ટમાં કેસ દાખલ કર્યો છે.

આ પુસ્તકનો ટેકો લઈને ૨૦૨૦ની ચૂંટણીમાં ટ્રમ્પના ડેમોક્રેટિક પક્ષના હરિફ ઉમેદવાર બાયડને ટ્રમ્પ વિરોધી પ્રચાર

તેજ કરી દીધો છે. હવે કોરોના પછી જે દેશો ટ્રમ્પના સમર્થનમાં ચીન સામે સંગઠન જાહેર કરી ચૂક્યા છે તેઓ પણ જુસ્સો ગુમાવી બેસશે. ચીન સાથે ટ્રમ્પ ભળેલા છે અને ચીન વિરોધી વિશ્વમંચ ખડો કરવો તે નાટક જ છે તેવી પણ શંકા જાગે તે સ્વાભાવિક છે.

ભારત અત્યારે ચીન જોડે સરહદી સંઘર્ષમાં છે અને મીની યુદ્ધ જેવી નોબત પર ખડું છે ત્યારે ભારત સરકારનો કદાચ એવો વહેમ હોય કે ટ્રમ્પ મોદીના દોસ્ત છે અને નમસ્તે ટ્રમ્પમાં છેક અમદાવાદ સુધી આવ્યા હતા તો તે રાજનીતિના ક્ષેત્રે આપણી મોટી ભૂલ ગણાશે. અમેરિકાના અવલંબનને નજરમાં રાખ્યા વગર જ ભારતે ચીનનો સામનો કરવો રહ્યો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.