હવે વર્ષ 2031માં ભારતમાં કંકણાકૃતિ સૂર્યગ્રહણ થશે

– ગુજરાતમાં 72% સૂરજ ઢંકાઇ જતાં ખગોળપ્રેમીઓને અદ્ભૂત નજારો જોવા મળ્યો – સૂર્યગ્રહણથી કેટલાક સ્થાને ભર દિવસે સંધ્યા જેવો માહોલ: ગુજરાતના તમામ મંદિરો સવારના સમયે બંધ રહ્યા અમદાવાદ, રવિવાર ગુજરાતભરના ખગોળપ્રેમીઓએ વર્ષ ૨૦૨૦ના સૌપ્રથમ સૂર્યગ્રહણનો નજારો માણ્યો હતો. કંકણાકૃતિ સૂર્યગ્રહણને પગલે સવારે ૧૦ બાદ ૭૨% સૂરજ ઢંકાઇ જતાં ભર દિવસે સંધ્યા જેવો માહોલ પણ થઇ ગયો હતો. હવે પછી ભારતમાં આવું કંકણાકૃતિ સૂર્યગ્રહણ વર્ષ ૨૦૩૧માં એટલે કે ૧૧ વર્ષ બાદ જોવા મળશે. બપોરે ૧ઃ૩૨ના ગ્રહણનો વેધ થયો હતો. સૂર્યગ્રહણને લીધે મંદિરો પણ સવારના બંધ રહ્યા હતા અને બપોરથી મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા. ગુજરાતના મોટાભાગે વહેલી સવારથી જ સૂર્યગ્રહણને લીધે વાતાવરણ બંધાઇ ગયું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર દેશમાંથી ભૂજમાં સૌપ્રથમ સૂર્યગ્રહણની અસર વર્તાવવાનું શરૃ થઇ ગયું હતું. અમદાવાદમાં અનેક ખગોળપ્રેમીઓએ ટેલિસ્કોપ, વિશેષ ચશ્મા દ્વારા તો કેટલાકે એક્સ રે ફિલ્મ દ્વારા સૂર્યગ્રહણનો આ નજારો માણ્યો હતો. આ અંગે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સલાહકાર ડો. નરોત્તમ સાહૂએ જણાવ્યું કે, ‘ગુજરાતમાં સવારે ૧૦ બાદ ૭૨ ટકા સૂર્ય ઢંકાઇ જતાં ખગોળપ્રેમીઓને અદ્ભૂત નજારો જોવા મળ્યો હતો. અનેક જિલ્લાઓમાં સૂર્યગ્રહણ વખતે વાતાવરણ પણ સ્વચ્છ રહ્યું હતું. સામાન્ય રીતે સાયન્સ સિટીમાં ગ્રહણને જોવા માટે ખાસ આયોજન કરવામાં આવે છે અને તેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ-ખગોળપ્રેમીઓ ભાગ લેતા હોય છે. પરંતુ પ્રવર્તમાન સંજોગોને પગલે આ વખતે એવું કોઇ આયોજન કરવામાં આવ્યું નહોતું. માત્ર ગાંધીનગરમાં ગુજકોસ્ટના કાર્યાલય ખાતે ખગોળપ્રેમીઓ માટે નાના પાયે આયોજન કરાયું હતું. ‘ સૂર્યગ્રહણને લીધે તમામ મંદિરોએ પણ સવારના સમયે બંધ પાળ્યો હતો. બપોરે ગ્રહણનો મોક્ષ થયા બાદ મોટાભાગના મંદિરો બપોરે ૩ઃ૩૦ બાદ ખોલવામાં આવ્યા હતા. આ પછી મંદિરોમાં રાબેતા મુજબ આરતી-પૂજા પણ કરવામાં આવી હતી. આ કંકણાકૃતિ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવવાનું હોવાથી તેને ધાર્મિક રીતે પાળવાનું હતું. આ સૂર્યગ્રહણમાં આંશિક માલિકા યોગની સાથે રાહુ-કેતુ જેઓ હંમેશા વક્રી ભ્રમણ કરે છે. તેની સાથે બુધ-ગુરૃ-શુક્ર અને શનિ વક્રી રહે છે. સૂર્યગ્રહણને લીધે અનેક લોકોએ એ સમયે ભોજનનો ત્યાગ કર્યો હતો અને કેટલાક મંદિરોમાં સત્સંગ સભા પણ યોજાઇ હતી. ૫ જૂનથી ૫ જુલાઇ દરમિયાન જ ૩ ગ્રહણ છે. આ પૈકી ૫ જુલાઇના થનારું ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવવાનું નથી. વર્ષ ૨૦૨૦માં કુલ ૬ ગ્રહણ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.