હાલમાં જ ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા પૂરી થઈ છે. હાલમાં રાજકોટ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં પેપર ચેક કરવા અંગેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.અને આ માહોલ વચ્ચે પેપર ચકાસણીની પ્રક્રિયામાં શિક્ષકોને હવે રસ રહ્યો નથી. રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી તરફથી 230 જેટલા શિક્ષકોને રીતસરની નોટીસ ફટકારવામાં આવી છે. રાજકોટના જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ. કૈલાએ કહ્યું હતું કે, આવનારા ત્રણ દિવસમાં નિરુત્સાહી શિક્ષકોએ આ વિષય અંગે ચોક્કસ ખુલાસો આપવો પડશે.
આવનારા દિવસોમાં સંતોષકારક જવાબ જો નહીં દેવામાં આવે તો શિક્ષકો સામે દંડાત્મક પગલાં ભરાઈ શકે છે. જો સ્વનિર્ભર શાળા સંચાલક તરફથી પણ શિક્ષકોને છૂટા કરવામાં નહીં આવ્યા હોય તો રૂપિયા 10,000 સુધીનો પણ દંડ એમને પણ કરી દેવામાં આવશે. અત્યારે 4000થી વધારે શિક્ષકો ચકાસણી અંગેની કામગીરીમાં પોતાની ફરજ અદા કરી રહ્યા છે. જોકે, માત્ર રાજકોટની વાત નથી. સૌરાષ્ટ્રન બીજા જિલ્લાઓમાં પણ શિક્ષકો આ કામગીરીથી નીરસ થઈ ગયા છે. રાજકોટમાં ધોરણ 12 સાયન્સમાં આ વર્ષે 7099 વિદ્યાર્થી માટે 30 બિલ્ડિંગમાં પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ધો.10 અને 12ના કુલ 77,230 વિદ્યાર્થીઓમાટે કુલ 2292 બ્લોકમાં બેઠક વ્યવસ્થા કરાઈ હતી. રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી તંત્ર તરફથી પણ બોર્ડની પરીક્ષામાં દરેક ઝોનની વ્યવસ્થા, સ્ટ્રોંગ રૂમ, ઝોનલ ઓફિસર સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી.અને આ વખતે શિક્ષકોની નારાજગીને કારણે પરિણામમાં વિલંબ પડે એવી પૂરી શક્યતાઓ છે. આ ઉપરાંત સરકાર અને શિક્ષકો વચ્ચે ખટાશ પેસી ગઈ છે.
એક બાજુ શિક્ષકો પોતાની વર્ષો જૂની માંગને લઈને સમયાંતરે વિરોધ કરી રહ્યા છે. બીજી બાજું સરકારી વિભાગોમાંથી શિક્ષકોની જવાબદારી વધી રહી છે. એવામાં વિદ્યાર્થીઓનું પરિણામ સમયસર આપવા માટે ઘણા શિક્ષકો રસ ન હોવા છતાં પેટીયું ટકાવવા માટે કામ કરી રહ્યા છે. જોકે, શિક્ષકોએ પોતાના પ્રશ્નો અને રકમ વધારા અંગે અગાઉ પણ શિક્ષણ વિભાગ અને સરકારનું ધ્યાન દોર્યું હતું.અને દર વર્ષે સરકારી અને ખાનગી એમ બંને શાળાના શિક્ષકો સાથે ભેગા થઈને બોર્ડનું પરિણામ તૈયાર કરવા પેપર ચેક કરે છે. એવું શિક્ષણ સંઘના આગેવાને કહ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.