ડોનાલ્ડ ટ્રમ્પ આગામી 24 ફેબ્રુઆરીએ અમદાવાદના મોંઘેરા મહેમાન બનવાના છે. આ દિવસે જ ટ્રમ્પ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળીને બપોરે 4.00 વાગ્યે મોટેરા ખાતે નવનિર્મિત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન કરવાના છે. ત્યારબાદ જેમ તાજેતરમાં અમેરિકાની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ‘હાઉડી મોદી’ કાર્યક્રમ યોજાયો હતો તે તર્જ પર જ અમેરિકન પ્રમુખ માટે ‘કેમ છો, ટ્રમ્પ’ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં ટ્રમ્પ સ્ટેડિયમમાં ઉપસ્થિત 1 લાખથી પણ વધુ લોકોને સંબોધન કરશે. આશરે બે કલાક ચાલનારા આ કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી પણ કરાવાશે તેવી ચર્ચા છે.
સ્ટેડિયમનું ઉદઘાટન કર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપસ્થિત મેદનીનું સંબોધન કરશે. વડાપ્રધાન મોદી પણ ઉપસ્થિત 1 લાખથી વધુ લોકોને સંબોધિત કરશે. આ કાર્યક્રમને સફળ બનાવવા સરકારી તંત્ર કોઈ કસર છોડી રહ્યું નથી કારણ કે સ્ટેડિયમમાં ખીચોખીચ લોકોને દર્શાવીને વડાપ્રધાન પોતાની લોકપ્રિયતાને પણ સિદ્ધ કરશે એમ મનાય છે. ટ્રમ્પ પણ આજે અમેરિકામાં કહી ચૂક્યા છે કે મોદીએ તેમને કહ્યું છે કે, એરપોર્ટથી સ્ટેડિયમ સુધી રસ્તામાં 70 લાખ જેટલા લોકો તેમનું સ્વાગત કરવા ખડેપગે રહેશે.
સ્ટેડિયમમાં માણસો ભેગા કરવાની કામગીરી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રોને સોંપાઈ
અમેરિકન પ્રમુખ ટ્રમ્પ તથા વડાપ્રધાન મોદીના સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ, મોટેરા ખાતેના કાર્યક્રમને ભવ્ય બનાવવા સરકારી મશીનરી કામે લાગી ગઈ છે. તમામ વિભાગોને અલગ-અલગ કામગીરી સોંપાઈ છે. આમાં મોટેરા સ્ટેડિયમ ખાતે 1 લાખથી વધુ પબ્લિકને ભેગી કરવાની જવાબદારી રાજ્યના તમામ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રોને સોંપવામાં આવી છે. આ અંગે અમદાવાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર આર કે વસાવાએ DivyaBhaskarને જણાવ્યું હતું કે, બપોરે 4 વાગ્યે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું ઉદઘાટન કરવાના છે. આ માટે હાજર રહેવા ઈચ્છુક વ્યક્તિએ અમને તેમની વિગતો મોકલી આપવાની રહેશે અને તેના આધારે અમે તેમને પાસ આપીશું, જેના આધારે જે-તે ઈચ્છુક વ્યક્તિ આ કાર્યક્રમમાં હાજર રહી શકશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.