દેશભરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. હાલ સ્થિતિ એટલી ખરાબ છે કે દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા સાડા ત્રણ લાખને પાર પહોંચી ગઇ છે. પ્રાપ્ત આંકડા અનુસાર ભારતમાં હવે કોરોનાના દર્દીઓનો આંકડો ૩.૫૬ લાખને પાર કરી ગયો છે. કોરોનાને કારણે દેશમાં અત્યાર સુધીમાં ૧૨૧૮૩ લોકોના મોત થયા છે. જ્યારે સામેપક્ષે ૧૯૨૫૭૧ને સાજા કરી લેવામાં આવ્યા છે. માત્ર ૨૪ કલાકમાં જ ૧૫૦૮૨ કેસોનો વધારો થયો છે અને મૃત્યુઆંકમાં પણ આ જ સમયગાળા દરમિયાન ૨૧૨૬નો વધારો થયો છે.
મહારાષ્ટ્ર અને દિલ્હીએ એક સાથે જુના આંકડા જાહેર કરતા ૨૪ કલાકમાં આ મોટો ઉછાળો આવ્યો છે. બીજી તરફ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સત્યેન્દ્ર જૈનને તાવ આવતો હતો તેમજ તેમનું એક્સિજન લેવલ પણ ઘટી રહ્યું હતું તેથી તેમને તાત્કાલીક હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા.
મંત્રીને તાત્કાલીક દિલ્હી સરકાર દ્વારા સંચાલીત રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. અગાઉ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો જોકે હવે સ્વાસ્થ્યમાં કોરોનાના લક્ષણો જણાતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
દિલ્હીમાં આમ આદમી પાર્ટીના અન્ય એક નેતા આતિશિનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આતિશિ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પણ છે. તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે પણ તેમનું સ્વાસ્થ્ય યોગ્ય હોવાથી તેઓ હોમ આઇસોલેશનમાં છે.
આતિશિએ ટ્વીટ કરીને કહ્યું હતું કે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી હું હાલ હોમ આઇસોલેશનમાં છું અને મારુ સ્વાસ્થ્ય સારુ છે. પ્રેમ અને સાથસહકાર બદલ સૌ કોઇનો આભાર વ્યક્ત કરું છું. બીજી તરફ વૈશ્વિક સ્તરે કોરોનાના કેસોમાં ભારત ચોથા ક્રમે છે. અમેરિકા, બ્રાઝિલ અને રશિયામાં સૌથી વધુ કોરોનાના કેસો છે જ્યારે ચોથા ક્રમે ભારત પહોંચી ગયું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.