લાલચ બુરી બલા! 250 રૂપિયાનો હપ્તો લઈને ભાગ્યું દંપતી, 26 વર્ષ બાદ પોલીસના બન્યા મહેમાન

ઠગ દંપતીએ ત્રણ શખ્સો સાથે મળીને 26 વર્ષ પહેલા ઇનામી ડ્રોની સ્કીમ શરૂ કરી હતી. જેમાં મહિને રૂપિયા 250 નો હપ્તો લેવામાં આવતો હતો. જે બાદ આરોપીઓ બધા ગુમ થઇ ગયા હતા અને બધાના રૂપિયા ઠગી લીધા હતા.

અમદાવાદ: : શહેરમાં છેલ્લા ઘણા સમયથી છેતરપિંડીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તેવામાં અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં, આરોપી દંપતીને 26 વર્ષ બાદ પોલીસે ઝડપી પાડીને જેલ હવાલે કર્યા છે. ત્યારે જાણો શું હતી આ સમગ્ર ઘટના જેના કારણે પોલીસને 26 વર્ષ બાદ આ દંપતીને પકડવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે, વિસનગરમાં રહેતા ઠગ દંપતીએ ત્રણ શખ્સો સાથે મળીને 26 વર્ષ પહેલા ઇનામી ડ્રોની સ્કીમ શરૂ કરી હતી. જેમાં મહિને રૂપિયા 250 નો હપ્તો લેવામાં આવતો હતો. આ ઠગ દંપતીએ લકી ડ્રો સિસ્ટમમાં અનેક લોકો જોડાયા હતા. જે બાદ આરોપીઓ બધા ગુમ થઇ ગયા હતા.

અંગે ઓઢવમાં રહેતા યુવકે 26 વર્ષ અગાઉ પોલીસ સ્ટેશનમાં પાંચેય શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં ત્રણ આરોપી અગાઉ પકડાઈ ગયા હતા અને ઠગ દંપતિ 26 વર્ષથી જુદી-જુદી જગ્યાએ ફરીને રહેતા હતા. આ સાથે જ, અનેક લોકો સાથે હજારો રૂપિયાની ઠગાઈ પણ આચરી હતી. ત્યારે પોલીસે બાતમીના આધારે બંનેની સુરતથી ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

ઓઢવમાં રાજીવ પાર્કમાં અનિલભાઇ પટેલ પરિવાર સાથે રહેતા હતા. જેમાં 26 વર્ષ અગાઉ તેમના મિત્ર દ્વારા તેમનો સંપર્ક વિસનગરના પ્રકાશ પંડ્યા અને તેમની પત્ની પ્રફુલ્લાબેન પંડ્યા સાથે થયો હતો. બંનેએ તેમને ડ્રો સિસ્ટમ શરૂ કરીએ છીએ, તેમાં રેગ્યુલર ઇનામી લકી ડ્રો કરવાથી તેમાં સારા ઈનામો મળશે તેવી લાલચ આપી હતી. જેમાં માસિક હપ્તો રૂપિયા 250 હતો. જેથી અનિલભાઇ તેમની સ્કીમમાં જોડાયા હતા.

થોડા સમય પાંચેય આરોપીઓએ બધાને ઈનામો તેમજ રોકડ રૂપિયા આપ્યા હતા, પરંતુ બાદમાં તમામ આરોપીઓ અચાનકથી ગુમ થઈ ગયા હતા. જેથી અનિલભાઇએ પાંચેય ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે અગાઉ ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. પરંતુ ઠગ દંપતી જગ્યાઓ બદલીને છુપાઈને ફરતું હતું.

આ બાદ, પોલીસે બાતમીના આધારે 26 વર્ષ બાદ બંનેની સુરતથી ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જણાવી દઈએ કે, ચૂંટણીને લઈ ઘણા વર્ષોથી ફરાર આરોપીઓને શોધવા આદેશ આપવામાં આવ્યો છે અને જે અંગે પોલીસ અલગ અલગ રાજ્ય અને જિલ્લામાં જઈને કાર્યવાહી કરી રહી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.