કોવિડ-૧૯ મહામારીના કારણે અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવેલી આઇપીએલ ટુર્નામેન્ટને રમાડવા અંગેની વિચારણા બીસીસીઆઇમાં ચાલી રહી હોવાનું ચર્ચાતું રહે છે. હવે એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, બીસીસીઆઇએ તેની હાઈપ્રોફાઈલ ટુર્નામેન્ટનું આયોજન અંગે વિચારણા કરી રહ્યું છે. પ્રાથમિક તબક્કે તેઓ ૨૬ સપ્ટેમ્બરથી ૮ નવેમ્બર દરમિયાન હાઈપ્રોફાઈલ ટુર્નામેન્ટના આયોજનની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે. જો ઓસ્ટ્રેલિયામાં રમાનારો ટી-૨૦ વર્લ્ડ કપ રદ થાય તો જ આ કાર્યક્રમ શક્ય બને તેમ છે.
મીડિયા રિપોર્ટ જણાવે છે કે, ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ રાજ્યોના એસોસિએશનોને પત્ર પાઠવીને આઇપીએલના આયોજન અંગેનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો છે. ભારતીય ક્રિકેટ બોર્ડ હજુ ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી-૨૦ વર્લ્ડ કપ અંગેના ફેંસલાનો ઈંતજાર કરી રહ્યું છે. જો ઓસ્ટ્રેલિયામાં રમાનારો ટી-૨૦ વર્લ્ડ કપ રદ થાય તો તે સમયગાળામાં ભારત આઇપીએલનું આયોજન કરી શકે તેમ છે.
જો આઇસીસી અને ઓસ્ટ્રેલિયન બોર્ડ ટી-૨૦ વર્લ્ડ કપના આયોજન અંગે લીલી ઝંડી દેખાડશે તો ભારતીય ક્રિકેટ બોર્ડને આઇપીએલ માટે નવી તારીખોની તલાશ કરવી પડશે. મીડિયા રિપોર્ટ જણાવે છે કે, બીસીસીઆઇએ આ અંગે ફ્રેન્ચાઈઝી, મીડિયા પાર્ટનર્સ અને અન્ય સ્ટેકહોલ્ડર્સની સાથે વાતચીત કરી લીધી છે. ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી-૨૦ વર્લ્ડ કપ અંગે આઇસીસી જુલાઈ મહિનામાં નિર્ણય લેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.