– ઘોડા છુટી ગયા પછી તબેલાને તાળા જેવો ઘાટ
પરત જવા માગતા લોકોનું સ્ક્રિનિંગ થશે, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ ફરજિયાત, બસોની વ્યવસ્થા કરાશે
– જોકે આ નિર્ણયમાં મોડુ થતા હજારો મજૂરો પગપાળા જ વતન ગયા જ્યારે અન્ય ભોજન-પાણી વગર ફસાયેલા રહ્ય
કેન્દ્ર સરકારે કોરોના વાઇરસને પગલે ૨૪મી માર્ચે સમગ્ર દેશમાં રોતારોત લોકડાઉનની જાહેરાત કરી દીધી હતી. જોકે આ નિર્ણય એટલો અધકચરો હતો કે હજારો મજૂરો અને આમ નાગરિકો પોતાના ઘરે ન જઇ શક્યા અને આટલા દિવસો સુધી તેઓ જ્યાં હતા ત્યાં જ ભોજન પાણીની વ્યવસ્થા વગર ફસાયેલા રહ્યા. હવે જ્યારે ત્રણ મેએ લોકડાઉન પુરુ થવાનો સમય નજીક આવ્યો છે ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે જે લોકો પણ જ્યાં પણ ફસાયા હોય તેઓને હવે તેમના ઘરે જે વતન પરત જવા દેવાની છુટ શરતો સાથે આપવામાં આવશે.
ગૃહ મંત્રાલયે જારી કરેલા એક આદેશમાં જણાવ્યું છે કે જે રાજ્યોમાં પર્યટકો, વિદ્યાર્થીઓ, સ્થળાંતરીત મજૂરો ફસાયા છે તેમને હવે પોતાના ઘરે અને રાજ્યમાં જવા દેવાની છુટ આપવામાં આવશે. ૩૬ દિવસ સુધી લોકો લોકડાઉનને કારણે જ્યાં હતા ત્યાં ફસાયેલા રહ્યા. ગૃહ મંત્રાલયે પોતાના આદેશમાં કહ્યું છે કે રાજ્ય સરકારોએ નોડલ ઓફિસરને જે લોકો ફસાયા હોય તેમને પોતાના મુળ સ્થળે પહોંચવાની જવાબદારી સોપવામાં આવે. જે લોકો જવા માગતા હોય તેઓનું યોગ્ય રીતે સ્ક્રિનિંગ કરવામાં આવશે અને જો તેમનામાં કોરોનાના કોઇ જ લક્ષણો ન દેખાય તો જ તેમને અન્ય રાજ્યોમાં જવા દેવાની છુટ આપવામાં આવશે.
કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યું હતું કે મજૂરો તેમજ અન્ય લોકોને લાવવા લઇ જવા માટે બસોનો ઉપયોગ કરવામાં આવશે. જે દરમિયાન દરેક વ્યક્તિએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે આ ઉપરાંત માસ્ક પણ ફરજીયાત પહેરવાનું રહેશે. જોકે કોઇ પરિવાર કે વ્યક્તિ ખાનગી વાહનમાં જઇ શકશે કે નહીં તેને લઇને ગૃહ મંત્રાલયના આ આદેશમાં કોઇ સ્પષ્ટતા કરવામાં નથી આવી. રાજ્ય સરકારોએ નોડલ ઓફિસરની નિમણુંક કરવાની રહેશે સાથે જ લોકોના આવવા જવા માટેના યોગ્ય ધારા ધોરણ નક્કી કરવાના રહેશે. સ્વાસ્થ્ય ચેકઅપના પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે.
જોકે નિષ્ણાંતોના મતે લોકડાઉનનો નિર્ણય જ્યારે લેવામાં આવ્યો ત્યારે જ આ મજૂરો અને ફસાયેલા અન્ય નાગરિકોને પોતાના ઘરે લાવવા લઇ જવાની યોગ્ય વ્યવસ્થા કરવાની જરુર હતી, કેમ કે ૩૬ દિવસ સુધી આ લોકો જ્યાં હતા ત્યાં ફસાયેલા રહ્યા તો અનેક મજૂરો પગપાળા જ ૧૦૦૦થી વધુ કીમી ચાલીને પોતાના રાજ્યમાં ગયા, જે દરમિયાન અનેકના મોત પણ થયા. થોડા દિવસ પહેલા જ છત્તીસગઢમાં એક ૧૨ વર્ષની બાળકી ૧૦૦ કિમી ચાલતા મોતને ભેટી હતી. જ્યારે સુરતમાં મજૂરો મહિનાથી ઘરે જવા માટે ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા. સરકારે ઘોડા છુટી ગયા પછી તબેલાને તાળા જેવો આ નિર્ણય લીધો છે. જો વહેલા નિર્ણય લઇ લીધો હોત તો લાખો લોકોએ ૩૬ દિવસ સુધી લોકડાઉનને કારણે જે યાતનાઓ સહન કરી તે ન કરવી પડી હોત.
ઘરે જવા આપેલી છુટછાટના આદેશના મહત્વપુર્ણ અંશો
– રાજ્ય સરકારોએ નોડલ ઓથિરિટીની નિમણુંક કરવાની રહેશે, જે ફસાયેલાની નોંધણી કરશે.
– રાજ્ય સરકારોએ એકબીજાની સાથે સંકલન કરવાનું રહેશે, બસોની વ્યવસ્થા કરવી પડશે.
– સ્ક્રિનિંગ દરમિયાન કોઇમાં કોરોનાના લક્ષણ જણાય તો તેને ત્યાં અટકાવી દેવામાં આવશે અને સારવાર આપવામાં આવશે.
– બસોનું યોગ્ય રીતે સેનિટાઇઝિંગ કરવાનું રહેશે, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ ફરજિયાત રહેશે.
– લોકો જ્યારે પોતાના રાજ્યમાં પહોંચે ત્યારે તેમને હોમ ક્વોરન્ટાઇન હેઠળ ચોક્કસ દિવસો સુધી રાખવામાં આવશે.
– ઘરે પરત ફર્યા બાદ પણ તેમના પર નજર રાખવામાં આવશે અને તેમનું સ્વાસ્થ્ય ચેકઅપ નિયમિત કરવાનું રહેશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.