કોરોના વાઇરસને લગતી વાત લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સાથે ત્રીજી વખત દેશને સંબોધન કર્યું છે. પહેલાં સંબોધન વખતે ૨૨ માર્ચના જનતા કર્ફ્યુની વાત કરી, બીજાં સંબોધન વખતે ૧૪ એપ્રિલ સુધી દેશભરમાં ‘લોકડાઉન’ની જાહેરાત કરી અને હાલ એપ્રિલ ૩ની સવારે નવ વાગ્યે દેશવાસીઓ પાસે રવિવારની રાતની નવ મિનિટ માંગી.
તમસો મા જ્યોર્તિગમયમ્:
ભારત આખું પોતપોતાનાં ઘરમાં છે એ સ્થિતીને બે અઠવાડિયાં થવા આવ્યાં છે ત્યારે આજે વડાપ્રધાને દેશને નાનકડું સંબોધન કરીને લોકોને ૫મી એપ્રિલ(રવિવાર)ની રાત્રે નવ વાગ્યે નવ મિનિટ માટે ઘરમાં રહીને, ઘરની બાલ્કનીમાં રહીને, ઘરની બધી જ લાઇટો બૂઝાવીને દીવો, મીણબત્તી કે મોબાઇલની ફ્લેશ લાઇટ નવ મિનિટ માટે ચાલુ રાખવા કહ્યું છે.
‘તમસો મા જ્યોર્તિગમયમ્’ (અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જા!)નામક આપણા પ્રસિદ્ધ સંસ્કૃતવાક્ય સાથે વડાપ્રધાને આ વાત દેશવાસીઓનો ઉત્સાહ વધારવા, કોરોના સામેની લડાઈમાં ભારતીયોની હિંમત અને એકતા ટકાવી રાખવા કરી છે. વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે, આ વખતે રસ્તા પર બહાર પગ મૂકવાનો નથી. બધાંએ ઘરમાં અને ઝરૂખામાં ઊભા રહીને જ નવ મિનિટ સુધી પ્રકાશનો દીપક અજવાળવાનો છે.
દેશવાસીઓની સહનશીલતાને દીધી દાદ:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું કે, લોકડાઉન અને જનતા કર્ફ્યુ દ્વારા દેશવાસીઓએ શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આપણી એકતા અને અનુશાસનનું ઉદાહરણ અભૂતપૂર્વ છે. ૧૩૦ કરોડ ભારતીયોની સંઘ શક્તિ એકબીજાની સાથે છે. વધારામાં તેમણે આ લડાઈ માટે ધર્મગુરૂઓને પણ સાથે આવવાનું કહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.