5Gની રેસમાંથી બહાર થઈ શકે છે ચીની કંપની Huawei, મોદી સરકારના મંત્રીઓની બેઠક

હ્યુવેઈ સિંગાપુરમાં 5Gની દોડમાંથી બહાર થઈ ગયું છે તથા ત્યાં નોકિયા અને એરિક્સનને તક મળી

 

ભારત અને ચીન વચ્ચેના તણાવની લપેટમાં વધુ એક ચીની કંપની હ્યુવેઈ પણ આવી શકે છે. હ્યુવેઈ ભારતમાં 5G સેવાઓની એક પ્રમુખ દાવેદાર છે. ભારતમાં હાલ એક વર્ષ માટે 5Gની લીલામી રોકવામાં આવી છે પરંતુ ગત વર્ષે હ્યુવેઈને 5G ટ્રાયલમાં ભાગ લેવાની મંજૂરી મળી હતી.

અમેરિકા હાલ સમગ્ર વિશ્વના દેશો પર હ્યુવેઈને બહાર રાખવા દબાણ લાવી રહ્યું છે. અમેરિકામાં 2021ના મે મહીના સુધી હ્યુવેઈના ઉત્પાદનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જાણવા મળ્યા મુજબ ગઈ કાલે મોદી સરકારના વરિષ્ઠ મંત્રીઓની બેઠકમાં 5G અંગે ચર્ચા થઈ હતી. ગૃહ મંત્રી અમિત શાહ, કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ, વિદેશ મંત્રી એસ જયશંકર અને વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલ આ બેઠકમાં સામેલ થયા હતા. જો કે આ બેઠકનું પરિણામ શું આવ્યું તે હજુ સુધી સામે નથી આવ્યું.

ભારતમાં હ્યુવેઈનો વિરોધ થઈ રહ્યો છે કારણ કે તેના સંસ્થાપક પીએલએ સાથે સંબંધ ધરાવે છે. સરહદ વિવાદ બાદ દેશમાં બદલાયેલા વાતાવરણમાં હ્યુવેઈ માટે આગળનો માર્ગ કઠિન છે. ભારતમાં સુરક્ષાના કારણોસર હ્યુવેઈને લઈ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. હ્યુવેઈ સિંગાપુરમાં 5Gની દોડમાંથી બહાર થઈ ગયું છે તથા ત્યાં નોકિયા અને એરિક્સનને તક મળી છે.

અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખીને હ્યુવેઈને ટ્રાયલની બહાર રાખવામાં આવ્યું છે. ત્યારે ભારત સરકાર પણ હ્યુવેઈ પર કાર્યવાહી કરશે તેવું માનવામાં આવે છે.

59 ચીની એપ ઉપર પ્રતિબંધ

ઉલ્લેખનીય છે કે સરકારે દેશની સુરક્ષા માટે જોખમી એવી ચીની એપ્સ વિરૂદ્ધ એક્શન લેવાની શરૂઆત કરી દીધી છે. ટિકટોક સહિત 59 ચીની એપ્સ ઉપર ગઈકાલે પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. ચીનની 59 એપ્લિકેશન પર પ્રતિબંધ લાગી ગયો છે ત્યારે અન્ય ચાઈનીઝ એપ્સ પર પણ પ્રતિબંધની તલવાર લટકી રહી છે.

આગામી એક-બે દિવસમાં જ બેન કરવામાં આવેલી તમામ એપનો ડેટા રોકી દેવામાં આવશે. આ એપ્સને ગૂગલ પ્લે સ્ટોર પરથી દૂર કરી દેવામાં આવી છે અને તેના અપડેટ પણ નહીં મળે. જો કે આ બધા પ્રતિબંધો વચગાળાના છે. હવે આ સમગ્ર મુદ્દો એક સમિતિ પાસે જશે અને પ્રતિબંધિત એપ સમિતિ સમક્ષ પોતાનો પક્ષ રાખી શકશે. ત્યાર બાદ સમિતિ આ પ્રતિબંધને જારી રાખવામાં આવે કે હટાવી લેવામાં આવે તે નક્કી કરશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.