65 વર્ષથી મોટી ઉંમરના લોકો અને કોરોના દર્દીઓ પોસ્ટલ બેલેટથી મત આપી શકશે

દેશમાં ચાલી રહેલા કોરોના વાઈરસ સંક્રમણ વચ્ચે ચુંટણી પંચે મોટો નિર્ણય કર્યો છે. કોરોનાને જોતા ચૂંટણી પંચે 65 વર્ષથી મોટી ઉંમરના લોકો પોસ્ટલ બેલેટ દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની મંજુરી આપી છે.

આ સાથે-સાથે કોરોનાના દર્દીઓ પણ પોસ્ટલ બેલેટ દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે છે. તેવું જણાવવામાં આવી રહ્યું છે કે, ચૂંટણી પંચનો આ નિર્ણય બિહાર ચૂંટણીમાં લાગૂ થશે.

ઉલ્લેખનિય છે કે, કોરોના વાઈરસના સંક્રમણનો ખતરો 65 વર્ષથી વધારે વર્ષના લોકો, ગર્ભવતી મહિલાઓ, ડાયાબિટીસના દર્દીઓ, હાઈબ્લડ પ્રેશર, કિડનીની બિમારીઓ સહિત જુની બિમારીથી પીડાતા લોકોને વધારે છે. મેડિકલ એક્સપર્ટ અને સરકારે પણ સતત આવા લોકોને બહાર નહી નિકળવા જણાવ્યું છે.

આ પહેલા પોસ્ટલ બેલેટનો અધિકાર 80 વર્ષ સુધીના વૃદ્ધો અને દિવ્યાંગોને મળેલો હતો. ગત વર્ષે 22 ઓક્ટોબરે કાયદા મંત્રાલય દ્વારા નોટિફિકેશન પ્રમાણે ચુંટણીમાં મતદાનની ટકાવારી વધારવા માટે 80 વર્ષથી વધારે ઉંમરના વૃદ્ધો અને દિવ્યાંગ મતદાતાઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા આપવામાં આવી હતી.

અત્યાર સુધી આ લોકોને હતો પોસ્ટલ બેલેટથી મતદાનનો અધિકાર

તમને જણાવી દઈએ કે હાલની વ્યવસ્થામાં સેના, અર્ધ સૈનિક દળના જવાનો અને વિદેશમાં કાર્યરત સરકારી કર્મચારી અને ચૂંટણી ફરજમાં તૈનાત કર્મચારીઓને જ ડાક મતપત્રથી મતદાન આપવાનો અધિકાર છે. ગત વર્ષના આંકડા જોઈએ તો પોસ્ટલ બેલેટનો ઉપયોગ કરનારા મતદારોમાં ડિફેન્સ મિનિસ્ટ્રી હેઠળ સૈન્ય દળોના લગભગ 10 લાખ, હોમ મિનિસ્ટ્રી આધિન મિલિટ્રી ફોર્સના 7.82 લાખ અને ફોરેન મિશનમાં કાર્યરત વિદેશ મંત્રાલયના લગભગ 3539 મતદાતાઓ લીસ્ટેડ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.