બાયડમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની અદાવતમા બે જૂથ વચ્ચે પથ્થરમારો 7નાં માથા ફૂટયાં

બાયડ તાલુકાના પ્રાંતવેલ ગામે ગઈકાલે મોડી સાંજે ગ્રામ પંચાયતની ચૂંટણીની અદાવતમાં સામસામે આવી ગયેલા બે જૂથો વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. લાકડીઓ અને ધારીયા સાથે બન્ને જૂથ એકબીજા પર તુટી પડતાં સાઠંબા પોલીસ દોડી ગઈ હતી અને સાત ઈજાગ્રસ્તોને વાત્રક હોસ્પિટલ સારવાર માટે ખસેડયા હતા.

બાયડ તાલુકામાં ગત ડિસેમ્બર મહિનામાં યોજાયેલી ગ્રામપંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થયા તે દિવસે જ સાંજે પ્રાંતવેલ ગામે સરપંચના વિજેતા તેમજ હારેલા જૂથો વચ્ચે બબાલ થઈ હતી. આ પછી વખતો વખત બન્ને જૂથ સામસામે આવતા પોલીસમાં ફરિયાદો પણ થઈ ચૂકી છે. ત્યારે પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે મોડી સાંજે પ્રાંતવેલ ગામે દૂધ મંડળીમાં દૂધ ભરવાની કામગીરી દરમિયાન ચૂંટણી સમયની અદાવતમાં બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા સરપંચના વિજેતા તેમજ હારેલા જુથો સામસામે આવી ગયા હતા.

ઘટનાસ્થળે બન્ને જૂથનું 200થી વધુ લોકોનું ટોળું સામસામે પથ્થરમારો કર્યો હતો. લાકડીઓ અને ધારીયાં પણ ઊડયા હતા. 20 મિનિટ સુધી બન્ને જૂથ વચ્ચે ઘર્ષણ ચાલ્યું હતુ. જેમાં બન્ને જૂથના સાતેક જણના માથા ફૂટયા હતા અને આ દરમિયાન જાણ કરાતાં સાઠંબા પોલીસ મથકથી કાફલો દોડી આવ્યો હતો. સાતેય ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા. જૂથ અથડામણમાં હજી સુધી પોલીસમાં એક પણ પક્ષે ફરિયાદ નોંધાવી નથી, પરંતુ ગામમાં હજુ પણ ભારેલાં અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તતી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતુ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.