– અત્યાર સુધીનો અનુભવ છે કે કન્ટેનમેન્ટ, કોન્ટેક્ટ, ટ્રેસિંગ અને સર્વેલન્સ કોરોના વિરૂદ્ધના સૌથી પ્રભાવશાળી હથિયાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કોરોના વાયરસના સંકટ મામલે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. તેમણે જણાવ્યું કે ટેસ્ટિંગની સંખ્યા વધીને દરરોજ 7 લાખ સુધી પહોંચી છે અને સતત વધી રહી છે. તેનાથી સંક્રમણને ઓળખવામાં અને રોકવામાં મદદ મળી રહી છે. આપણા ત્યાં સરેરાશ મૃત્યુ દર પહેલા પણ વિશ્વની સરખામણીએ ઘણો ઓછો હતો અને સંતોષની વાત એ છે કે તે સતત વધુ નીચો જઈ રહ્યો છે. રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે મતલબ કે આપણા પ્રયત્નો સિદ્ધ થઈ રહ્યા છે.
વધુમાં જણાવ્યું કે, લોકોનો વિશ્વાસ વધ્યો છે અને કોરોનાનો ભય પણ ઓછો થયો છે. આપણે મૃત્યુ દરને એક ટકા કરતા પણ નીચે લઈ જવાનો જે લક્ષ્ય રાખ્યો છે તેને હાંસલ કરવા પ્રયત્ન કરો. ઉપરાંત વડાપ્રધાને આરોગ્ય સેતુ એપ્લિકેશનની પ્રશંસા પણ કરી હતી. તેમણે જણાવ્યું કે એપની મદદથી સંક્રમિત દર્દીઓને ટ્રેક કરવામાં મદદ મળી રહી છે. 72 કલાકમાં બીમારીની જાણ થઈ જાય તો જોખમ ઘટી જાય છે.
વડાપ્રધાને કહ્યું કે, આજે 80 ટકા એક્ટિવ કેસ 10 રાજ્યોમાંથી છે અને માટે કોરોના સામેની લડાઈમાં આ રાજ્યોની ભૂમિકા ખૂબ મોટી છે. આજે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 6 લાખને પાર થઈ ગઈ છે. જે રાજ્યોમાં ટેસ્ટિંગ રેટ ઓછો છે અને જ્યાં પોઝિટિવિટી રેટ વધારે છે ત્યાં ટેસ્ટિંગ વધારવાની જરૂર સામે આવી છે. ખાસ કરીને બિહાર, ગુજરાત, યુપી, પશ્ચિમ બંગાળ અને તેલંગાણામાં ટેસ્ટિંગ વધારવા ભાર આપવાની વાત આ સમીક્ષામાં નીકળી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, પંજાબ, બિહાર, ગુજરાત, તેલંગાણા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીઓ સાથે કોરોના વાયરસ મુદ્દે ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદીની છેલ્લા 5 મહીનાઓમાં રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની આ સાતમી બેઠક હતી.
વડાપ્રધાને જણાવ્યું કે, અમારો અત્યાર સુધીનો અનુભવ છે કે કન્ટેનમેન્ટ, કોન્ટેક્ટ, ટ્રેસિંગ અને સર્વેલન્સ કોરોના વિરૂદ્ધના સૌથી પ્રભાવશાળી હથિયાર છે. હવે જનતા પણ આ વાતને સમજી રહી છે અને લોકો સહયોગ આપી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.