– સુપ્રીમ કોર્ટમાં લઘુમતીની વ્યાખ્યા બદલવા અરજી
સુપ્રીમ કોર્ટમાં એક અરજી થઇ છે જેમાં માગણી કરાઇ છે કે દેશમાં લઘુમતીની વ્યાખ્યા બદલવી જોઇએ, કેમ કે ઘણા એવા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે કે જ્યાં હિંદુઓ લઘુમતીમાં છે પણ તેમને લઘુમતીમાં નથી ગણાતા, પરીણામે લાભોથી પણ વંચિત રહે છે.
ભાજપના નેતા અને વકીલ અશ્વિનિ ઉપાધ્યાય દ્વારા દાખલ અરજીમાં એવી પણ માગણી કરવામાં આવી છે કે વિવિધ હાઇકોર્ટમાં આ મામલે જે પણ અરજીઓ થઇ છે તેને ટ્રાન્સફર કરવામાં આવે અને સંયુક્ત રીતે સુપ્રીમ કોર્ટે તેની સુનાવણી કરવી જોઇએ. કેન્દ્ર સરકારે 26 વર્ષ પહેલા જાહેર કરેલા નોટિફિકેશનમાં મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, બુદ્ધીષ્ટ, પારસીને લઘુમતી જાહેર કરવામાં આવ્યા હતા. આ નોટિફિકેશનને પડકારવામાં આવ્યું છે.
અરજદારોની દલીલ છે કે કાશ્મીર જેવા અનેક રાજ્યો છે કે જ્યાં હિંદુઓ લઘુમતીમાં હોવા છતા તેમને બહુમતીમાં જ ગણવામાં આવે છે. પરીણામે તેમને લઘુમતીના લાભ નથી મળી રહ્યા અને વર્ષોથી તેમને આ લાભોથી વંચિત રખાયા છે. માટે હવે દેશમાં લઘુમતીની વ્યાખ્યા બદલવાનો સમય આવી ગયો છે અને જે રાજ્યોમાં હિંદુઓ સંખ્યાની દ્રષ્ટીએ લઘુમતીમાં હોય તેમને તેના લાભ પણ મળવા જોઇએ.
સાથે જ દિલ્હી, મેઘાલય, ગુવાહાટી હાઇકોર્ટમાં આ મામલે જે અરજીઓ પેન્ડિંગ છે તેને ટ્રાન્સફર કરી સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવી તેવી પણ માગ કરાઇ છે. અરજદારે દાવો કર્યો હતો કે મિઝોરમમાં 2.75 ટકા, નાગાલેન્ડમાં 8.75 ટકા, મેઘાલયમાં 11.53 ટકા, અરૂણાચલમાં 29 ટકા, મિઝોરમમાં 31.39, પંજાબમાં 38.40, જમ્મુ કાશ્મીરમાં 28.44, લક્શદ્વીપમાં 2.5 ટકા હિંદુઓ છે અને આ આંકડા લઘુમતીમાં આવે પણ તેમને લાભ નથી મળી રહ્યા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.