9 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી એજ મહારાષ્ટ્ર સરકાર માટે લોઢાના ચણા ચાવવા જેવું

મહારાષ્ટ્રની ૧૩ કૃષિ વિદ્યાપીઠોના અંતિમવર્ષના કુલ નવ લાખ વિદ્યાર્થીઓની ૩૦ સપ્ટેમ્બર સુધીમાં અથવા ત્યારબાદ સંપૂર્ણ સુરક્ષા સાથે પરીક્ષા લેવી એ મહારાષ્ટ્ર સરકાર અને શિક્ષણ વિભાગ માટે મોટો પડકાર સાબિત થશે.

મહારાષ્ટ્રની ૧૩ યુનિવર્સિટી સાથે સંલગ્નિત ૪૫૦૦ કૉલેજોના નવ લાખ વિદ્યાર્થીઓની ૩૫૦૦ સેન્ટર પર પરીક્ષા લેવી પડશે. આથી રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ પણ પરીક્ષા કઈ રીતે લેવી તેના અન્ય વિકલ્પો પર વિચાર કરી રહી છે. વળી દરરોજ તમામ ક્લાસરુમને સેનિટાઈઝ કરવા, તમામ વિદ્યાર્થીઓનું સ્ક્રીનિંગ કરવું, સોશિયલ ડિસ્ટંસિંગનું પાલન કરવાનું હોવાથી એક વર્ગમાં ૨૦ થી ૩૦ વિદ્યાર્થી જ બેસી શકશે. આથી વધારે વર્ગખંડોમાં સુવિધા કરવી વગેરે કાર્યો કપરી મહેનત માગી લે તેમ છે. વળી જો બે શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવે તો બે જુદાં પેપર બનાવવા પડે, જેથી શિક્ષકોનો પણ પેપર તપાસવામાં સમય જાય અને આ સમગ્ર પ્રક્રિયા ઓછામાં ઓછાં બે મહિના ચાલવાની સંપૂર્ણ શક્યતાઓ છે. ઉપરાંત આ પરીક્ષા સફળતાભેર પાર પાડવા માટે ઓછામાં ઓછાં આઠ થી નવ હજાર પ્રશ્નપત્ર મોડરેટર અને ૨૫૦૦૦ જેટલાં શિક્ષકો-પ્રોફેસરોની જરુર પડશે.

પરિવહનની સુવિધા ઉપરાંત લોજિંગ અને બોર્ડિંગની વ્યવસ્થા, પાણીની સુવિધા અને સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત પણ વિદ્યાર્થી અને પ્રોફેસરો એમ બંને માટે પરીક્ષા કેન્દ્રો પર કરવા પડશે. આથી ડગલે ડગલે સંક્રમણનો ભય હોવાથી પરીક્ષાનું આયોજન કરવું એ મહાવિકાસ આઘાડી સરકાર માટે મોટો પડકાર સાબિત થશે. જોકે છતાંય સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર જે તમામ યુનિવર્સિટીઓ માટે સમાન હશે, તેના જ આધારે પરીક્ષા લેવાશે, એવું શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.