કેરળની રહેવાસી એક મહિલાએ બોલિવુડની જાણીતી સિંગર અનુરાધા પૌંડવાલને પોતાની માતા ગણાવીને તેમની પાસેથી અધધ વળતર માગ્યું છે. કેરળની 45 વર્ષની કરમાલા મોડેક્સે સ્થાનિક જિલ્લા અદાલતમાં અનુરાધા સામે કેસ દાખલ કર્યો છે. તેણે સિંગર પાસેથી 50 કરોડનું વળતર પણ માગ્યું છે. કરમાલાએ જણાવ્યું કે, તે જ્યારે માત્ર 4 દિવસની હતી ત્યારે અનુરાધાએ તેને પોંનાચન અને અગનેસ નામના યુગલને સોંપી દીધી હતી. તેઓ જ તેના પાલક માતા-પિતા છે. અનુરાધા પૌંડવાલ તે સમયે પોતાના કારકિર્દીમાં વ્યસ્ત હતી અને સંતાનની જવાબદારી સ્વીકારી શકે તેમ ન હતી તેથી તેણે આ પગલું ભર્યું હતું. કરમાલાના વકીલે જણાવ્યું કે, જે લાઈફસ્ટાઈલ કરમાલાને મળવી જોઈએ તે નહોતી મળી તેથી વળતરની માંગ કરવામાં આવી છે. આગામી સમયમાં જરૂર પડશે તો અમે ડીએનએ ટેસ્ટ કરાવવા માટે પણ અરજી કરીશું.
પાંચ વર્ષ પહેલાં મારા પિતાએ આ વાત જણાવી
કરમાલાએ જણાવ્યું કે, અંદાજે પાંચ વર્ષ પહેલાં મારા પિતાએ મૃત્યુ પહેલાં મારી સમક્ષ આ રહસ્ય ઉજાગર કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, અનુરાધા પૌંડવાલ મારી બાયોલોજિકલ માતા છે. મારા પાલક પિતા પોંનાચન આર્મીમાં હતા અને તેમનું પોસ્ટિંગ મહારાષ્ટ્રમાં હતું ત્યારે તેમની અનુરાધા સાથે મિત્રતા થઈ ગઈ હતી. ત્યારબાદ તેઓ કેરળ આવી ગયા હતા. મારી પાલક માતા અલ્ઝાઈમરથી પીડાય છે અને પથારીવશ છે. તેઓ કંઈપણ બોલવાની કે યાદ કરવાની સ્થિતિમાં જ નથી.
હવે મારે માત્ર કાયદાનો જ આધાર છે
કરમાલાએ વધુમાં જણાવ્યું કે, મારા પિતા પાસેથી સત્ય જાણ્યા બાદ મેં ઘણી વખત અનુરાધાનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો. તેમણે ફોન ઉપર કોઈ જવાબ આપ્યો નહીં. તેમણે ધીમે ધીમે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું અને મને બ્લોક કરી દીધી. હવે મારી પાસે કાયદાનો આધાર લેવા સિવાય કોઈ વિકલ્પ નથી. હું ગમે તે ભોગે મારી માતાને પ્રાપ્ત કરવા માગું છું. ઉલ્લેખનીય છે કે, કરમાલાના કેસના આધારે ફેમિલી કોર્ટે 27 જાન્યુઆરીએ અનુરાધા અને તેમના સંતાનોને હાજર રહેવા આદેશ આપ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.