વિકાસના નામે ગરીબોનાં ઝૂપડાં તોડી દેવામાં રાજ્ય સરકાર શૂરી, પણ સ્વામિનારાયણ ગુરુકુળ માટે કરી આ ગોઠવણ

અમદાવાદમાં એસજી હાઇવેની આસપાસની છારોડી, ગોતા, ખોરજ અને ખોડિયાર ગામની જમીનોને આવરી લેતી ટીપી સ્કીમ નંબર ૫૭માં આવતાં છારોડી SGVP (સ્વામીનારાયણ ગુરૂકુળ સર્વજીવ હિતાવહ ટ્રસ્ટ)ની જમીન કપાતનો વિવાદનો વિવાદ સામે આવ્યો છે. અમદાવાદ મ્યુનિ.એ ટીપી સ્કીમનો ડ્રાફ્ટ બનાવ્યો તે વેળાએ SGVPના છારોડી ગામના બે ફાઇનલ પ્લોટની ૧.૧૧ લાખ ચો.મી. જમીનમાં ૨૦ ટકા કપાત કરી હતી પછી આર્થિક સમૃદ્ધ એવી SGVP સંસ્થાએ શરમ નેવે મૂકીને રાજ્ય સરકારમાં જીરો ટકા કપાત માગી હતી. આ સંદર્ભમાં ટીપી સ્કીમ પ્રિલિમનરી એવોર્ડ થાય તે પહેલાં રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે AMC અને TPOને પત્ર લખ્યો હતો જેથી ફેરફાર કરીને SGVP સંસ્થાના બે સરવે નંબરોમાં ૨૦ ટકાને બદલે ૧૦ ટકા કપાત કરવાની દરખાસ્ત મંજુર કરી હતી. અમદાવાદ મ્યુનિ.ની ટીપી કમિટીની બેઠક છારોડીની SGVP સંસ્થાની જમીનમાં ૨૦ ટકાને બદલે ૧૦ ટકા કપાત કરવાની વિવાદી દરખાસ્ત મંજુર કરાઇ હતી.

શહેરમાં ડેવલપમેન્ટની સાથે જમીનોના ભાવ વધ્યાં છે. ખાસ કરીને શહેરના પશ્ચિમ વિસ્તારમાં એસજી હાઇવે અને એસપી રિંગ રોડને અડીને આવેલી જમીનોના ભાવ આસમાને છે. હવે અહીં વર્ષો પહેલાં શૈક્ષણિક સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા જમીનો ખરીદી કરવામાં આવી છે પણ આર્થિક રીતે સમૃદ્ધ એવી સંસ્થાઓ પણ શહેરના વિકાસમાં જાહેર હેતુ માટે આપવાની થતી કપાત આપવામાં આગળ આવતી નથી. વગ વાપરીને પોતે ઓછી કપાત આપવી પડે અથવા ન આપવી પડે તે માટે પ્રયાસો કરે છે. શહેરના એસજી હાઇવેના છારોડી, ગોતા, ખોરજ અને ખોડિયાર ગામની જમીનોને આવરી લેતી ટીપી સ્કીમ નંબર ૫૭નો ડ્રાફ્ટ બનાવવામાં આવ્યો હતો. અમદાવાદ મ્યુનિ.એ જે તે વેળાએ ડ્રાફ્ટ બનાવ્યો હતો તે વખતે SGVP સંસ્થાના છારોડી ગામના સરવે નંબર ૧૧૭+૧૧૮+૧૧૯ પૈકી + ૧૨૦ એમ ચાર સરવે નંબરોની સામે બે ફાઇનલ પ્લોટ ફાળવ્યા હતા. તે વખતે ૧.૧૧ લાખ ચો.મી. જમીનમાં ૨૦ ટકા કપાત લેવાઇ હતી જેની સામે ૯૪,૩૮૪ ચો.મી. ક્ષેત્રફળના બે ફાઇનલ પ્લોટ અપાયા હતા પછી આર્થિક રીતે સક્ષમ એવી SGVP સંસ્થા દ્વારા શરમ નેવે મૂકીને તા.૩૧-૭-૨૦૧૮ના રોજ શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવને પત્ર લખવામાં આવ્યો હતો જેમાં SGVP સંસ્થા દ્વારા સંસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ છે અને શૈક્ષણિક, ધાર્મિક, સામાજિક, આરોગ્ય વિષયક તબીબી સંસોધન ક્ષેત્ર જેવા લોકઉપયોગી કામ કરે છે સાથે ગૌ સેવાના કામ પણ કરે છે જેથી જીરો ટકા કપાત કરવા માટે રજુઆત કરાઇ હતી પછી તા.૬ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ શહેરી વિકાસ વિભાગના સેક્શન અધિકારીએ નગર રચના અધિકારીને પત્ર લખ્યો હતો જેમાં SGVP સંસ્થાના સરવે નંબરમાં ૧૦ ટકા કપાત કરી ફાઇનલ પ્લોટ આપવા આદેશ કર્યો હતો પછી નગર રચના અધિકારીએ સમગ્ર SGVP સંસ્થાના છારોડી સ્થિત ચાર સરવે નંબરોનું પુર્નગઠન કર્યું હતુ જેમાં ચાર સરવે નંબરોની ૧,૧૧,૭૬૨ ચો.મી. જમીનમાં ૧૦ ટકા કપાત કરીને બે ફાઇનલ પ્લોટ ફાળવણી કરી હતી જેમાં SGVP સંસ્થાને ૧,૦૦,૫૮૬ ચો.મી.ના ફાઇનલ પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. આથી, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનને જાહેર હેતુ માટે ૨૨,૫૬૮ ચો.મી. ક્ષેત્રફળના બે રિઝર્વ પ્લોટ મળતા હતા જેનું ક્ષેત્રફળ ઘટીને ૧૧,૪૨૬ ચો.મી. થઇ ગયું હતુ. આમ મ્યુનિ.ને રિઝર્વ પ્લોટમાં અંદાજે ૧૧ હજાર ચો.મી. જમીન ઓછી મળી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.