કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાશકિતના સ્કીલ ડેવલપમેન્ટ માટે શરૂ કરેલા આયામો આવનારા દિવસોમાં રોજગાર નિર્માણના રાજમાર્ગ બનશે. ગૃહમંત્રી ભારત સરકારના સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રેનીયોરશીપ મંત્રાલય દ્વારા કલોલ નજીક નાસ્મેદમાં 20 એકર જમીનમાં નિર્માણ પામનારા ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ સ્કીલ્સના ભૂમિપૂજન અવસરે સંબોધન કરી રહ્યા હતા. અમિત શાહે જે લોકો ભારતમાં બેરોજગારી વધી રહી છે તેવી વાતો કરે છે તેમની સ્પષ્ટ આલોચના કરતાં કહ્યું કે, 50-60 વર્ષ સુધી જેમણે શાસન કર્યુ તે લોકોએ બેરોજગારીની સમસ્યાના સમાધાન માટે શું કર્યુ?
તેમણે એમ પણ જણાવ્યું કે, સ્કીલ ડેવલપમેન્ટથી યુવાશકિતનું અપગ્રેડેશન કરીને તેને વિશ્વના પડકારોને ઝિલવા સક્ષમ બનાવવાનું પણ મિશન મોડમાં પ્રધાનમંત્રીએ ઉપાડયું છે. આ સંદર્ભમાં ગૃહમંત્રીએ જણાવ્યું કે, 130 કરોડની આબાદી વાળો આપણો દેશ સૌથી યુવા દેશ પણ છે. વિશ્વનું સૌથી મોટુ બજાર ભારત છે, તેના માટે વડાપ્રધાને મેઈક ઈન ઈન્ડિયા અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વધુ બળ આપવા કેન્દ્ર સરકારે ઉદ્યોગોને અનુરૂપ નીતિ બનાવી છે. રાજયો-રાજયો વચ્ચે આ માટે સ્પર્ધાઓ યોજાઈ રહી છે તેના પરિણામે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના વૈશ્વિક રેન્કિંગમાં ભારતે 70 ક્રમ આગળ આવ્યુ છે.
ભારત વિશ્વનું સૌથી તેજ ગતિ કરતું અર્થતંત્ર બન્યું છે. ભારત 50-60 વર્ષમાં બે ટ્રિલિયન ડોલરની ઈકોનોમી સુધી પહોચ્યું હતુ જ્યારે છેલ્લાં પાંચ વર્ષમાં ઈકોનોમી બે થી વધીને ત્રણ ટ્રિલિયન ડોલર સુધી પહોચી છે. આગામી વર્ષ-2024 સુધીમાં ભારતની ઈકોનોમીને પાંચ ટ્રિલિયન ડોલર સુધી લઈ જવાનો આપણે નિર્ધાર કર્યો છે, તેમાં યુવાનોનું સ્કીલ ડેવલપમેન્ટ મોટી ભૂમિકા ભજવશે એમ તેમણે યુવાઓને પ્રેરણા આપતા જણાવ્યું હતું.
50 લાખ જેટલા યુવાનોને સ્કીલ ડેવલપમેન્ટ થકી ફાયદો થયો છે તેવું કહી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર અને ટાટા સન્સના સહયોગથી શરૂ થનાર આ સંસ્થાનમાં પાંચ હજાર છાત્રોને એક વર્ષમાં જ તાલીમ અપાશે. જેમાંથી 70 ટકા જેટલા વિદ્યાર્થીઓને સંસ્થાનમાં યોજાતા પ્લેસમેન્ટમાં નોકરી મળી જશે,તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.