સિરીયાની શાક માર્કેટમાં બોમ્બ બ્લાસ્ટમાં 21ના મોત, 82 ઘાયલ

સિરીયની સરકાર દ્વારા સમર્થિત બોંમ્બીંગમાં 21 લોકોના મોત થયા છે. સિરીયાના ઉત્તર પશ્વિમ વિસ્તારના ઈદલિબમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. સિરીયન સિવિલ ડિફેન્સ જેમને વ્હાઇટ હેલ્મેટ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમણે જણાવ્યું કે બુધવારે અરિહા વિસ્તારની એક શાકભાજી માર્કેટમાં એર સ્ટ્રાઇક થઇ હતી અને બેરલ બોમ્બ પડ્યા હતા. તે સિવાય સો મીટર દૂર ઔદ્યોગિક વિસ્તારમાં પણ બોમ્બ પડ્યા હતા.

આ હુમલામાં 21લોકોનું મોત થયું છે. સિવિલ ડિફેન્સના એક સ્વયંસેવક એહમદ શેખોએ એક ખાનગી ચેનલને આ માહિતી આપી હતી. કુલ 82 લોકો ઘાયલ થયા છે અને મોતનો આંકડો વધે તેવી સંભાવના છે. એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે બ્લાસ્ટના લીધે ઘણા વાહનો સળગી ગયા હતા અને અમુક બાઇક સવારો વાહન સાથે જ ભડથું થઇ ગયા હતા. મુસ્તફા નામના એક દુકાનદારે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે તે એક રિપેર શોપ ધરાવે છે. તે જ્યારે પરત ફર્યો તો તેના ચાર કર્મચારીઓ કાટમાળમાં દટાઇ ગયા હતા. દુકાન આખી તૂટી ગઇ હતી. તે ચારેય સુરક્ષિત છે કે નહીં તે હજુ જાણી શકાયું નથી.

મીડિયા રિપોર્ટ પ્રમાણે રશિયા, તુર્કી અને સીરિયા વચ્ચે એક સીઝફાયર એગ્રીમેન્ટ પર 12 જાન્યુઆરીએ સહમતિ બની છે. જે મુજબ તેમની સેનાઓ ઈદલિબમાં એરસ્ટ્રાઇક નહીં કરે. રશિયાએ પણ અહીં એરસ્ટ્રાઇક પર રોક લગાવી હતી. જોકે તેમ છતાં આ હુમલો કરવામાં આવ્યો છે. સીરિયાની સરકારનું કહેવું છે કે તે ઈદલિબ પ્રાંત પાછુ કબ્જે કરવા માંગે છે જ્યાં અલકાયદા સાથે જોડાયેલા જેહાદીઓ અત્યારે પ્રવૃત છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.