પોતાના જ પદનાં નેતાઓ જ બન્યા વિજય રૂપાણીના દુશ્મનો, શા માટે પદ પરથી હટાવવા માગે છે

ગુજરાત સરકાર અને સંગઠનમાં નવાજૂનીના એંધાણ વર્તાઇ રહ્યાં છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે મોરચો મંડાયો છે. તેમના દુશ્મનો કોંગ્રેસના નેતાઓ નથી પરંતુ પાર્ટીના અંદરના ટોચના નેતાઓ હોવાનું સામે આવ્યું છે. એવું જાણવા મળ્યું છે કે રૂપાણીને પદ પરથી હટાવવા માટે ફરી એકવાર જૂના નેતાઓ મેદાને આવ્યા છે.

સચિવાલયના સૂત્રોનું માનવું છે કે વહીવટી તંત્ર ખાડે ગયું છે. ધારાસભ્યો કે સંસદસભ્યોના કામ થતાં નથી, તેવી ફરિયાદો દિલ્હીમાં ઉચ્ચકક્ષાએ પહોંચાડવામાં આવી છે. ખાસ કરીને જેઓ પદ પરથી ઉતરી ગયા છે તેવા નેતાઓ રૂપાણી સરકારને ડિસ્ટર્બ કરવા ફરી સક્રિય બન્યા છે. ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન થાય છે તેવી વાતો રૂપાણી શાસનમાં છેલ્લા ત્રણ વર્ષથી થઇ રહી છે પરંતુ આ વખતે આવી વાતોને પીઠબળ મળ્યું હોવાનું સમજાય છે.

2017ની વિધાનસભાની ચૂંટણીમાં પાતળી બહુમતિથી વિજય પછી ભાજપના પ્રદેશ નેતાઓ અને સરકાર વચ્ચે સંકલન નબળું બન્યું છે. જેનો લાભ પાર્ટીના ભૂતપૂર્વ સિનિયર નેતાઓ લઇ રહ્યાં છે. ભાજપની અગાઉની સરકાર વખતે જે નેતાઓનો સિતારો ચમકતો હતો તે નેતાઓ રૂપાણી સરકારને પાડવામાં લાગી ગયા છે. એવું કહેવાય છે કે સરકારના વિભાગોમાં ભ્રષ્ટાચાર બેકાબૂ બની રહ્યો છે. સરકાર અને સંગઠન વચ્ચે સંકલન નથી. મંત્રીઓના કામો થતાં નથી. ધારાસભ્યોની મહત્વની ભલામણ પછી કામો વિલંબમાં પડ્યાં છે. આવા સંજોગોમાં વહીવટી તંત્ર તૂટી પડે તે પહેલાં મુખ્યમંત્રીને બદલવાની જરૂર છે, તેવું દિલ્હી સુધી કહેવાઇ રહ્યું છે. અધિકારીઓ રાજકીય નેતાઓના કામો કરતાં નથી તેવી ફરિયાદો થઇ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.