ભાજપી MLAની નારાજગી પર નીતિન પટેલે કહ્યું, કોઈ મન દુ:ખ નથી…’

ગુજરાતમાં ભાજપની નવા માળખાની જાહેરાત થવાની છે. તેવામાં વડોદરા ભાજપના ધારાસભ્યો દ્વારા એક બાદ એક ભડાકાઓ કરવામાં આવી રહ્યા છે. પહેલાં સાવલીના ધારાસભ્ય ઈનામદારે રાજીનામું ધરી દઈને રાજકીય ભૂકંપ સર્જ્યો હતો. ત્યારબાદ જીતુ વાઘાણીની મીટિંગ કરીને તેમને મનાવ્યા બાદ રાજીનામું પાછું ખેચ્યું હતું. હવે આજે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પણ રાજીનામાની ચીમકી ઉચ્ચારી લેતા રાજકીય ભૂકંપ સર્જાયો હતો.

વડોદરા જિલ્લાના વાઘોડિયા મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે તેમના મતવિસ્તારમાં કામ પૂરું ન થતું હોવાથી નારાજગી વ્યક્ત કરી છે અને મહેસૂલ મંત્રી કૌશિક પટેલ સામે ખુલ્લેઆમ મોરચો માંડ્યો હતો. નારાજ ધારાસભ્યોની વાતો વચ્ચે રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે રાજકોટ ખાતે પત્રકારો સાથે આ મુદ્દે વાતચીત કરી હતી.

મધુ શ્રીવાસ્તવની નારાજગી પર નીતિન પટેલે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ધારાસભ્ય પોતાની લાગણીની રજૂઆત કરતા હોય છે. મધુ શ્રીવાસ્તવ હનુમાનજીના પરમ ભક્ત છે. જેથી મંદિર પર ઝુલો મુકવાની એમની ઈચ્છા છે. તેમની રજૂઆત પર મહેસૂલ વિભાગ કામ કરી રહ્યું છે. ધારાસભ્યો મીડિયા સામે આવીને પોતાની માંગણી અને લાગ્ણી વિશે વાતો કરે તેમાં કોઈ વાંધો નથી. ભાજપના બધા ધારાસભ્યો રામ અને હનુમાન છે. નીતિન પટેલે ઉમેર્યું હતું કે, કોઈ પણ કંઈ માગે તે તમામ મળી જાય તે જરૂરી નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.