સુરત- વાપી નજીક કાકાનો જન્મદિન ઉજવી પરત ફરતુ દંપતી કાળનો કોળિયો, પત્નીને બે માસનો ગર્ભ હતો

સુરતઃ વાપી નજીકના સલવાવ ગામે બિગ બજારની સામે મોડી રાત્રીએ હાઇવેની સાઇડે પાર્ક કરેલી ટ્રકમાં કાર ઘુસી જતા શાહ દંપતીનું ઘટના સ્થળે જ મોત થયા હતા. મૂળ ઉમરગામના અચ્છારીના વતની અને હાલમાં વલસાડ ખાતે રહીને દવાનો હોલ સેલ વેપાર કરતા યુવક અને તેમની ગર્ભવતી પત્નીનું મોત થતા જ ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે ડુંગરા પોલીસ ફરિયાદ લઇ વધુ તપાસ હાથ ધરી છે.

રાત્રે વતનથી પરત ફરી રહ્યા હતા

ઉમરગામ તાલુકાના અચ્છારીગામે જૈન ફળિયાના મૂળ વતની અને હાલમાં વલસાડના તિથલ રોડ ઉપર ડ્રીમલેન્ડ સિનેમાની સામે રીમઝીમ એપાર્ટમેન્ટમાં રહેતા 24 વર્ષી હેમિલ ઉદયભાઇ શાહ વલસાડમાં દવાનો હોલસેલ વેપારની એજન્સી ચલાવે છે. હેમિલભાઇ અને તેમની પત્ની નમ્રતા ઉર્ફે નમિતા પોતાની ફિગો કાર(જીજે-15-સીજી-0224) લઇને વતન અચ્છારી ગામે ગયા હતા. રાત્રીએ હેમિલ તેમની પત્ની સાથે કાર લઇને અચ્છારીથી વલસાડ જવા માટે નીકળ્યા હતા.

હાઇવે પર સર્વિસ રોડ ઉપર પાર્ક કરેલી ટ્રકમાં કાર ઘૂસી ગઈ

રાત્રે સવા બારેક વાગ્યાના સુમારે વાપી નજીક સલવાવ હાઇવે ઓવરબ્રિજ ઉતરતી વખતે કાર ચાલક હેમિલ શાહે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કે પછી અન્ય કોઇ કારણોસર તેમની કાર હાઇવે સર્વિસ રોડ ઉપર પાર્ક કરેલી ટ્રક(ડીએન-09-જે-9053) સાથે જોરદાર રીતે અથડાઇ ગઇ હતી. ટ્રકની પાછળના ભાગે કાર એટલી જોરદાર રીતે ભટકાઇ હતી કે પતિ અને પત્નીના માથાના ભાગે ગંભીર ઇજા થવાથી સ્થળ પર જ મોત થયા હતા. આ બનાવ અંગે મોડી રાત્રીએ તેમના સંબંધીને જાણ કરાતા અચ્છારી અને વલસાડથી પરિવારજનો દોડી આવ્યા હતા. આ અકસ્માત અંગે વસંતલાલ લક્ષ્મીચંદ શાહે ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કાકાની બર્થ ડે હોવાથી રાત્રીએ સરપ્રાઇઝ વિશ કરવા ગયા હતા.હેમલ શાહ અને તેમની પત્ની નમ્રતા ઉર્ફે નમિતા અચ્છારીગામે રહેતા કાકા જેશલ શાહ ઉર્ફે જિગુની બર્થ ડે હોવાથી સરપ્રાઇઝ વિશ કરવા માટે ગયા હતા. જ્યાંથી આ શાહ દંપતી કારમાં પરત વલસાડ જઇ રહ્યું હતું. ત્યારે કાકાનો જન્મ દિવસ ઉજવીને જતા હેમલ અને નમ્રતાના મોતના સમાચાર મળ્યા હતા.

હાલમાં નમ્રતાને બે માસનો ગર્ભ હોવાથી આ દંપતી નવા મહેમાનને આવકારવા માટે વિવિધ આયોજન કરી રહ્યા હતા. પોતાના લગ્નની પ્રથમ વર્ષ ગાંઠ ઉજવે એ પહેલા અને સંતાનના આગમન પૂર્વે જ આ દંપતિને ભગવાનની પાસે પહોંચી જતા સમગ્ર પરિવાર શોકાતૂર બની ગયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.