વિજય રૂપાણીના હવાતિયાં,વેરાની આવકો હજારો કરોડ ઘટી છતા કહ્યું ‘મંદીની માત્ર હવા છે’

મુખ્યમંત્રી વિજય રૂપાણીને થોડા મહિનાઓ પહેલાં આર્થિક મંદી વિશે પુછાયેલું ત્યારે એમણે હસી કાઢી એમ કહેલું કે ‘મંદી ક્યાં છે ? મંદીની માત્ર હવા છે, વાતો છે.’ હવે નવા ૨૦૨૦-૨૧ના બજેટની તૈયારીઓ થઈ રહી છે ત્યારે ખરેખર આર્થિક મંદીનો અનુભવ થઈ રહ્યો છે. અધિકારીઓ એવું કહે છે કે, રાજ્યની પોતાની કરવેરાની કુલ આવકમાં મોટો હિસ્સો આપતા ત્રણ મોટા કોમ્પોનન્ટ પેટ્રોલિયમ પેદાશો ઉપર વસૂલ થતાં વેટની આવકમાં, સ્ટેમ્પ્સ અને રજિસ્ટ્રેશનની આવકમાં તથા મોટર વ્હિકલ્સ ટેક્સિસની આવકમાં ધારણા કરતાં મોટો ઘટાડો થઈ રહ્યો છે. લગભગ ૪થી ૫ હજાર કરોડના નુકસાનનો અંદાજ મુકાઈ રહ્યો છે.

ગુજરાતના આર્થિક ક્ષેત્રે બાંધકામ ઉદ્યોગનું આગવું સ્થાન છે, પણ આ વર્ષે આર્થિક મંદી એને ભરખી ગઈ છે, જેને લીધે સ્ટેમ્પ ડયૂટી અને નોંધણી ફીની આવક જબરજસ્ત ઘટી છે. વર્ષ ૨૦૧૮-૧૯માં આ આવકનો સુધારેલો અંદાજ ભલે રૂ. ૮,૦૧૧ કરોડ દર્શાવાયો હોય, પણ વાસ્તવિક આવક રૂ. ૭,૮૦૦ કરોડ આસપાસ રહી છે. આ આવક ૨૦૧૯-૨૦માં વધીને રૂ. ૯,૫૦૦ કરોડ પહોંચશે એવો અંદાજ મુકાયેલો પણ અંદાજમાં રૂ. ૧,૫૦૦ કરોડનું ગાબડું પડી રહ્યું છે. આ કોન્પોનન્ટમાં આવકની સ્થિરતા દર્શાવે છે કે, મકાનોની લે-વેચ કે જમીનોના સોદામાં ભારે ઓટ પ્રવર્તી રહી છે.

નવા વાહનોની ખરીદી ૨૫ ટકાથી વધુ પ્રમાણમાં ઘટી છે, જેને કારણે મોટર વાહન કરની આવકમાં પણ આશરે રૂ. ૧,૫૦૦ કરોડનું નુકસાન થઈ રહ્યું છે. વર્ષ ૨૦૧૭-૧૮માં રૂ. ૪,૨૫૦ કરોડના અંદાજ સામે વાસ્તવિક આવક આ કરમાં રૂ. ૩,૮૮૫ કરોડ રહી હતી. એવી જ રીતે ૨૦૧૯-૨૦નો અંદાજ ભલે રૂ. ૫,૨૦૦-૫,૫૦૦ કરોડ દર્શાવાયો હોય, પણ ઉપર જણાવ્યું તેમ મોટો ખાડો નિશ્ચિત છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.