થોડા દિવસો પૂર્વે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવનમાં પ્રોફેસર અને યુવતીની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જે મામલે યુનિવર્સિટી દ્વારા સમાજશાસ્ત્ર ભવનના પ્રોફેસર હરેશ ઝાલાને સસ્પેન્ડ પણ કર્યા હતા તો સાથે જ તેમની ઓફિસ પણ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
આપણે જણાવી દઈએ કે આ સમગ્ર મામલે જાતીય સતામણી નિવારણ કમિટીની બેઠક પણ મળી હતી. જે મામલે બેઠકનો પ્રાથમિક રિપોર્ટ કુલપતિને સોંપવામાં પણ આવ્યો હતો. જો કે ગત અઠવાડિયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક વિદ્યાર્થીની કુલપતિને મળી હતી જેને કથિત ઓડિયો ક્લિપમાં અવાજ પોતાનો ન હોવાનું જણાવ્યું હતું. તો સાથે જ પ્રોફેસર ઝાલા તેના તેમજ તેના પિતાના ગુરુ રહી ચૂક્યા હોવાનું પણ જણાવ્યું હતું. સાથે જ સમગ્ર મામલે કોઇપણ જાતની કાયદાકીય કાર્યવાહી ન કરવાનો આગ્રહ પણ યુનિવર્સિટી પાસે રાખ્યો હતો.
બીજી તરફ સમગ્ર મામલે જાતિય સતામણી નિવારણ સમિતિ પાસે પ્રોફેસર ઝાલાએ એક અરજી કરી છે. જે અરજીમાં પ્રોફેસર ઝાલાએ કથિત ઓડિયો ક્લિપમાં પોતાનો અવાજ ન હોવાનું જણાવ્યું છે તો સાથે જ તેમના પર લેવાયેલા સસ્પેન્શનના પગલાં યુનિવર્સિટી દ્વારા પરત ખેંચવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી છે. ત્યારે સમગ્ર મામલે કુલપતિએ જણાવ્યું હતું કે જ્યાં સુધી જાતીય સતામણી નિવારણ સમિતિનો ફાઇનલ રિપોર્ટ નહીં મળે ત્યાં સુધી પ્રોફેસર હરેશ ઝાલાને પરત ફરજ પર લેવા કે કેમ તે અંગે નિર્ણય નહીં કરી શકાય. આમ, સમગ્ર મામલે હવે પ્રોફેસર ઝાલાને બચાવવાનો કારસો રચાઇ ગયા હોવાનું ફલિત થઇ રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.