સમુદ્ર સપાટી ઊંચી આવી રહી હોવાથી સદીના અંત ભાગમાં ભારતનાં ચાર સાગરકાંઠાનાં શહેરો- સુરત, કોલકાતા, મુંબઇ અને ચેન્નાઇ સામે મોટા જોખમ ઊભા થવાની ભીતિ છે. જ્યારે હિમાલયનાં હિમક્ષેત્રો ઓગળી રહ્યાં હોવાથી ઉત્તર ભારતનાં સંખ્યાબંધ શહેરોમાં પાણીની અછત સર્જાવાની સંભાવના જોવાઈ રહી છે. જળવાયુ પરિવર્તન અંગેની સંયુક્ત રાષ્ટ્ર એજન્સીએ આવી આગાહી વ્યક્ત કરી છે.
ઇન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ (IPCC)નું કહેવું છે કે, સમુદ્ર સપાટી પહેલાં કરતાં ખૂબ ઝડપથી વધી રહી છે, અને બરફ ખૂબ ઝડપથી ઓગળી રહ્યો હોવાથી વર્ષ ૨૧૦૦ સુધીમાં સમુદ્ર સપાટી એક મીટર જેટલી વધતાં વિશ્વના ૧.૪ અબજ લોકો તેનાથી પ્રભાવિત થવાની સંભાવના છે. એજન્સીનું કહેવું છે કે ભારતના ચાર શહેર- સુરત, કોલકાતા, મુંબઇ અને ચેન્નાઇ સહિતના વિશ્વના ૪૫ શહેરોની સ્થિતિ તો એવી છે કે માત્ર ૫૦ સે.મી. સમુદ્ર સપાટી ઊંચી આવે તો પણ આ શહેરોમાં ભારે પૂર આવ્યાં હોય તેવી સ્થિતિ સર્જાઈ શકે તેમ છે.
ગ્લોબલ વોર્મિંગને રોકવા તાકીદનાં પગલાં લેવાની આવશ્યકતાને મુદ્દે ફરી એકવાર ચેતવણી આપતાં અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ગ્લોબલ વોર્મિંગ અને તેને પગલે વધી રહેલી સમુદ્ર સપાટીને કારણે સાગરકાંઠાની જીવસૃષ્ટિનો મોટેપાયે નાશ થવાની સંભાવના છે. તેના કારણે વિનાશક સમુદ્રી તોફાનો આવવાની તેમજ સી ફૂડનો પુરવઠો ખોરવાઈ જવાની સંભાવના રહે છે.
આઇપીસીસીના અહેવાલમાં ૭૦૦૦ જેટલા સંશોધન પેપર્સને સમાવવામાં આવ્યા છે. અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે ગ્લોબલ વોર્મિંગને કારણે પહેલાં કરતાં વધુ ઝડપથી બરફ ઓગળી રહ્યો છે. સદીના અંતભાગમાં સમુદ્ર સપાટીમાં ૩૦ થી ૬૦ સે.મી. જેટલો વધારો નોંધાવાની સંભાવના છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.