એકબાજુ ગુજરાતના સીએમ વિજય રૂપાણી ભ્રષ્ટાચારને ડામવા માટે સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરે છે. પણ ગુજરાતમાં કઈ હદે ભ્રષ્ટાચાર વકરી ચૂક્યો છે તેની એક વરવી વાસ્તવિકતાનો ચોંકાવનારો ઘટસ્ફોટ રાજકોટમાં થયો છે. રાજકોટનાં કલેક્ટર રેમ્યા મોહને પ્રજાસત્તાક પર્વની ઉજવણીનાં ન્યુઝ કવરેજ માટે રાજકોટનાં 8 જેટલાં પત્રકારોને 50 હજાર રૂપિયાનાં ચેક આપ્યા હતા. આ ચોંકાવનારા ખુલાસા બાદ કોંગ્રેસે તંત્ર પર આકરાં પ્રહાર કર્યા હતા.
રાજકોટના પત્રકારોને લાંચ આપવાનો રાજકોટ તંત્રનો ખુલ્લો પ્રયાસ સામે આવતાં જ સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. રાજકોટ કલેક્ટર રેમ્યા મોહને 8 જેટલાં પત્રકારોને રૂ. 50 હજારના ચેક આપ્યા હતા. પ્રજાસત્તાક પર્વના સરકારી કાર્યક્રમનાં સારા પ્રચાર માટે કલેક્ટર દ્વારા આ રૂપિયા પત્રકારોને આપવામાં આવ્યા હતા. રાજકોટનાં સ્થાનિક 8 પત્રકારોને રૂપિયા અપાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
આ લાંચકાંડ બાદ ચેક દ્ગારા પત્રકારોને ખરીદવાનો પ્રયાસ થયાની ચર્ચાએ જોર પકડ્યું છે. જિલ્લા કલેક્ટરે ફંડનો દુરુપયોગ કર્યાનો પણ આરોપ લાગી રહ્યો છે. પ્રજાસત્તાક પર્વના દિવસે પણ લાંચ અને ભ્રષ્ટાચાર ન છોડ્યા હોવાનું લોકમુખે વાતો થઈ રહી છે. તો સમગ્ર મામલે રાજકોટ કલેક્ટરે ભેદી મૌન જાળવી રાખ્યું છે. આ મામલે તેઓ કાંઈપણ બોલવા તૈયાર નથી.
તો આ મામલે કોંગ્રેસ આક્રમક થઈ ગઈ છે. આ મામલે કોંગ્રેસનાં જયરાજસિંહે જણાવ્યું કે, કલેક્ટર જવાબદારીમાંથી છટકી શકે નહીં. કલેક્ટર ખુલાસો કરે કે રૂપિયા કેમ આપ્યા? કેટલાં લોકોને આવા ચેક આપ્યા? તો ધારાસસભ્ય લલિત કગથરાએ કહ્યું કે, પ્રજાના ટેક્સના રૂપિયા પત્રકારને કેમ આપ્યા? લાંચ આપવાની આ પ્રકારની સિસ્ટમ ચાલે છે. પત્રકારોને કાયદેસર લાંચ આપી છે જે ફોજદારી ગુનો છે. કલેક્ટર સામે ફોજદારી ગુનો નોંધાવો જોઈએ. 26મી જાન્યુઆરીની ઉજવણી પાછળ ઉદ્યોગપતિ પાસેથી દાદાગીરી કરીને ફાળા લીધા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.