નેતાઓ-અધિકારીઓ સતાં નો રોફ જમાવી મોટર વ્હીકલ એક્ટનો આ રીતે સરેઆમ ભંગ કરી રહ્યા છે, તંત્ર મૌન

વાહન વ્યવહારમાં કાયદાનો ભંગ કરનારને આકરો દંડ કરવામાં આવી રહ્યો છે, પણ સરકાર પોતે જ વર્ષોથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરી રહી છે. ગુજરાત સરકારના લાખો વાહનો ‘ગવર્નમેન્ટ ઓફ ગુજરાત’ એવાં લખાણ સાથે ફરે છે. જે કાયદાની વિરુદ્ધ છે. મોટર વ્હિકલ રૂલ્સ 1989 મુજબ કોઈ પણ સરકાર આવું લખાણ લખી શકે નહીં. છતાં ગુજરાત સરકાર વર્ષોથી ગેરકાયદે વાહનો ચલાવી રહ્યાં છે.

કોઈ લખાણ લખી ન શકાય

1989ના રૂલ્સ મુજબ કોઈપણ વાહન ઉપર (ખાનગી ટ્રાન્સપોર્ટના વાહનોના ખાસ કિસ્સાઓ સિવાય) વાહનના રજીસ્ટ્રેશન નંબર (નંબર પ્લેટ) સિવાય કોઇપણ લખાણ રાખી શકાય નહીં. આમ છતાં દરેક સરકારી વાહનો પર બિનઅધિકૃત રીતે ‘ગવર્નમેન્ટ ઓફ ગુજરાત’ એ પ્રકારના લખાણ જોવા મળે છે. ગુજરાત મોટર વ્હિકલ રૂલ્સ મુજબ સરકારના જે સરકારી અધિકારીઓ, કર્વામચારીઓ, ધારાસભ્યો, સાંસદો, પ્રધાનો, પંચાયતના સભ્યો, મેયર, સ્થાનિક સ્વરાજ્યના સભ્યો, પક્ષના નેતાઓ અને કાર્યકરો વગેરેનાલાખો વાહનો રસ્તા પર ફરી રહ્યા છે તે તમામ વાહનો નિયમોની વિરુદ્ધ અને ગેરકાયદેસર રીતે ફરી રહ્યા છે.

અધિકારીને દંડ કોણ કરશે

જે રીતે મોટર વ્હિકલ રૂલ્સનુ સખ્તાઈથી સામાન્ય માણસ સામે અમલ કરવામાં આવી રહ્યો છે તે રીતે સરકાર પોતે ભૂલ કબૂલીને જે તે અધિકારીને દંડ કરે એવી લોકોની માંગણી છે. પહેલા તો પોતે વધારે ચોક્કસાઈ અને સખ્તાઈથી નિયમો પાળવા પડે, પરંતુ પાળતી નથી.  

વાહનવ્યવહાર કમિશનર રાજેશ માંજુ મૌન

વર્ષોથી થતાં આ નિયમોનાં ભંગ બદલ સરકાર દ્વારા જવાબદાર અધિકારીઓ અને વાહનો સામે શું કાર્યવાહી કરવામાં આવી, શું આવી ગુન્હાહિત પ્રવૃત્તિઓ સરકારના ધ્યાને નથી આવતી, કોઈ નિયમનો ભંગ નથી દેખાઈ રહ્યો તેવાં પ્રશ્નો જ્યારે રાજ્યના વાહન કમિશ્નર રાજેશ માંજુને પુછવામાં આવ્યા ત્યારે તેઓ અસ્વસ્થ થતાં માત્ર એટલું બોલ્યા કે અમે તપાસ કરાવીશું. પરંતુ તમારી નજર સામે જે નિયમોનો ભંગ થઈ રહ્યો છે તે નથી દેખાતો ત્યારે તેઓ નિરુત્તર રહ્યા હતા.

ટ્રાફિકના આ નિયમ ભંગ બદલ અને અન્ય નિયમોનાં ભંગ બદલ કેટલા સરકારી વાહનોને જપ્ત કરવામાં આવ્યા? કેટલા વાહનો અને તેના માલિકો સામે શું પગલાં ભરવામાં આવ્યા તે પ્રશ્નના જવાબમાં તેમણે એમ જણાવ્યું કે એ તો અત્યારે અમે નહીં આપી શકીએ પણ થોડો સમય લાગશે.

ગુજરાત મોટર વ્હિકલ રૂલ્સ નિયમ 125

ગુજરાત મોટર વ્હિકલ રૂલ્સનો નિયમ 125 સ્પષ્ટ જણાશે છે કે વાહન ઉપર વાહનના રજીસ્ટ્રેશન નંબર (નંબર પ્લેટ) સિવાય કોઇપણ લખાણ લખી શકાય નહીં. આ કાયદો કેન્દ્ર સરકારના મોટર વ્હિકલ રૂલ્સ ઉપર જ રચવામાં આવ્યો છે. અમારા દ્વારા એ પણ જાણવાની કોશિશ કરવામાં આવી હતી અને સરકારમાંથી ખાતરી કરવામાં આવી હતી કે આ જોગવાઇઓમાં કોઈ સુધારો તો કરવામાં આવ્યો નથી.

વિધાનસભામાં નનૈયો

31મી માર્ચ 2016ના રોજ જામનગર ગ્રામ્યના તે વખતે કોંગ્રેસના ધારાસભ્ય રાઘવજી પટેલ દ્વારા વાહન વ્યવહાર મંત્રીને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે નવા સચિવાલયમાં તેમજ જુના સચિવાલય (ડો. જીવરાજ મહેતા ભવન) સંકુલોમાં ગેરકાયદેસર રીતે લખાયેલા ‘ગવર્નમેન્ટ ઓફ ગુજરાત’ શબ્દ વાળા કેટલાં સરકારી વાહનો છેલ્લા બે વર્ષમાં સરકારના ધ્યાને આવ્યાં છે? તેમજ આ વાહનો કયા કયા વિભાગના છે અને નિયમોનાં ભંગ બદલ જવાબદારો સામે શું પગલાં લેવામાં આવ્યાં છે? તેમજ ઉક્ત લખાણો દૂર કરવામાં આવ્યાં છે કે નહીં.

જેના જવાબમાં તે વખતના વાહન વ્યવહાર મંત્રી અને હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આવું કોઈ વાહન સરકારના ધ્યાને આવ્યું નથી અને આથી પગલાં લેવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.

હોદ્દો દર્શાવતા અધિકારીઓ

ઘણા સરકારી અધિકારીઓ પોતાની (સરકારે આપેલી અને ખાનગી) ગાડી પર DEO, TDO, ફલાણાં કમિટીના ચેરપર્સન વગેરે પોતાના હોદ્દા દર્શાવીને જે પ્રજાના નાણાં વડે તેમનો પગાર થઈ રહ્યો છે તે જ સરકારી કાયદાનો ભંગ કરીને પ્રજા ઉપર રોફ જમાવી રહ્યા છે. ટ્રાફિકના નિયમોનુંસાર આવા હોદ્દા વાહનો ઉપર દર્શાવી શકાય નહીં.

પ્રજાને રૂ.5 હજાર કરોડનો દંડ

રાજય સરકારે આરટીઓ કચેરીઓને 5100 કરોડની વસૂલાતનો લક્ષ્યાંક આપવામા આવ્યો હતો. ગયા વર્ષે સરકારે 4500 કરોડનો લક્ષ્યંક આપ્યો હતો. તેમાં ટ્રાફિકનો દંડ જ નહીં ચેકપોસ્ટ અને અન્ય ટેક્સ પૈકી લાઇસન્સ ફી તેજમ રજિસ્ટ્રેશન ફીનો પણ સમાવેશ થાય છે.

પ્રજા પરેશાન

કેન્દ્ર સરકારે મોટર વ્હિકલ રૂલ્સ 1989મા સુધારો કરીને દંડની રકમમાં અનેકગણો વધારો કર્યો છે જેનાથી આમ આદમીની કમર ભાંગી ગઈ છે. આકરા દંડની જોગવાઈ સામે લાચારી અનુભવતા નાગરિકો અત્યારે પારાવાર મુશ્કેલીઓ વેઠવા છતાં પણ આ નિયમોનાં અમલ માટે સજાગ થઈને આરટીઓ કચેરી આગળ કતારોમાં પોતાના કિંમતી સમય અને નાણાં ખર્ચી રહ્યા છે. પ્રજામાં આક્રોશ સાથે સવાલ એ ઉભો થયો છે કે વર્ષોથી થતાં આ નિયમોનાં ભંગ સામે શું કાર્યવાહી થશે….????

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.