રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએે જણાવ્યું હતુ કે, રાજ્યમાં ઉચ્ચ શિક્ષણની તકોનો વ્યાપ વધે એ માટે રાજ્ય સરકારે ‘‘સ્ટડી ઇન ગુજરાત’’ કાર્યક્રમની શરૂઆત કરી છે જે હેઠળ દેશ-વિદેશમાં રોડ શોનું આયોજન થઇ રહ્યું છે. જેના ભાગરૂપે આજે નાસિક ખાતે યોજાયેલ રોડ શોમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએે કહ્યું હતુ કે, ગુજરાત ભારતનું આગામી સમયમાં શિક્ષણનું કેન્દ્ર બનશે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ દ્વારા નાસિકના અગ્રણી શિક્ષણવિદોની મુલાકાત લેવામાં આવી હતી.
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે, “સ્ટડી ઇન ગુજરાત” એ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા યોજવામાં આવેલ એક નવીનત્તમ પહેલ છે, જેનો ઉદ્દેશ ગુજરાત રાજ્યને ભારતમાં શિક્ષણના કેન્દ્ર તરીકે વધુ વિકસાવવાનો અને વિદેશના તેમજ ભારતના અન્ય રાજ્યના વિદ્યાર્થીઓને ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે આમંત્રિત કરવાનો છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ઉમેર્યું હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિક્ષણ પર ભાર મૂક્યો છે. આ પ્રેરણાને સાર્થક કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શનથી અમે ભારત અને વિશ્વ સમક્ષ શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિઓ દર્શાવવા માટે ‘સ્ટડી ઇન ગુજરાત’ કાર્યક્રમની શરૂઆત કરી છે.
મહારાષ્ટ્ર રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સેક્રેટરી/ડિવિઝનલ સેક્રેટરી એન.એમ. ઉપાસની સહિત 1 યુનિવર્સિટી, 13 શાળાઓ અને કોલેજોના 70 આચાર્યઓ અને વિદ્યાર્થીઓ આ રોડ શૉમાં સહભાગી થયા હતા. ગુજરાતમાં સમૃદ્ધ બની રહેલા શિક્ષણ ક્ષેત્રની એક ઝલક આપવા અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવામાં રસ ધરાવતા ઉમેદવારોને રાજ્યમાં રહેલી શિક્ષણની તકોને ઉજાગર કરવાના હેતુ સાથે આ રોડ શૉનું આયોજન કરવામાં આવ્યું હતું. રસ ધરાવતા વિદ્યાર્થીઓને વધુ જાણકારી આપવા માટે રાજ્યના ઉચ્ચ ક્રમાંકિત એનબીએ અને એનએએસી માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ આ પ્રતિનિધિમંડળ સાથે જોડાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.