ક્યારે મળશે ન્યાયયાચકોને ન્યાય? ગુજરાતમા અદાલતોમાં 16.11 લાખ કેસ પડતર

ગુજરાતમાં સેશન્સ કોર્ટ સહિતની તમામ નીચલી અદાલતોમાં ૨૯મી જાન્યુઆરી ૨૦૨૦ની સ્થિતિએ ૧૬.૧૧ લાખ કેસ પેન્ડિંગ છે, જેમાં લોકો ન્યાય મળે તેનો ઈન્તેજાર કરી રહ્યા છે. નીચલી અદાલતોમાં પેન્ડિંગ કેસોની સંખ્યા મામલે ગુજરાત દેશમાં છઠ્ઠા ક્રમે આવે છે, સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં ૭૬.૯૦ લાખ કેસો નીચલી અદાલતોમાં પડતર છે. જ્યારે ગુજરાત હાઈકોર્ટમાં અત્યારે ૧.૨૯ લાખ કેસ પેન્ડિંગ છે. દેશની નીચલી અદાલતોમાં ૩.૧૯ કરોડ કેસ પડતર છે. રાષ્ટ્રીય ન્યાયિક ડેટા ગ્રીડ ઉપર આ લેટેસ્ટ આંકડા અપાયા છે.

ગુજરાતની નીચલી અદાલતોમાં જે ૧૬.૧૧ લાખ કેસ પેન્ડિંગ છે તેમાં દીવાની પ્રકારના ૪.૨૮ લાખ કેસ, ૧૧.૮૩ લાખ ફોજદારી કેસ સામેલ છે. મોટા ભાગના કેસ એવા છે જેમાં દસથી પાંચ વર્ષથી ન્યાય માટે રાહ જોવી પડી રહી છે. ગુજરાત સરકારના કાયદા વિભાગના સૂત્રો કહે છે કે, કેસોના ઝડપી નિકાલ માટે પ્રયાસો કરાઈ રહ્યા છે, પોક્સો સહિતના વિવિધ કેસોના નિકાલ માટે ખાસ કોર્ટોની રચના કરાઈ છે, ગુજરાતમાં કાર્યરત્ ૬૬૦ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટરને કોર્ટની કામગીરીમાં ઉપયોગી વિષયોની તાલીમ અપાશે, જેનો આજે બુધવારથી જ પ્રારંભ થયો છે. કેસોની ઝડપી નિકાલ માટે લોક અદાલતોનું પણ આયોજન કરાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.