દિલ્હીમા આજે મતદાન, 672 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે 1.47 કરોડ મતદારો

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે 08 ફેબ્રુઆરીએ થનારા મતદાનમાં 1,47,86,382 મતદારો 672 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરશે. ચૂંટણી પંચે દિલ્હીની 70 વિધાનસભા સીટો પર મતદાન માટે 13,750 મતદાન કેન્દ્ર બનાવ્યા છે. મતદાન માટે 2688 મતદાન સ્થળો પર બનેલા 13,750 મતદાન કેન્દ્રો પર 20,385 EVM મશીનની મદદથી મતદાન થશે. મતગણતરી 11 ફેબ્રુઆરીએ થશે.

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સહિત 6 રાષ્ટ્રીય પક્ષો સિવાય આમ આદમી પાર્ટી અને અન્ય રજિસ્ટર્ડ રાજ્યસ્તરિય પાર્ટીઓના કુલ 672 ઉમેદવારો જેમાં 593 પુરુષ અને 79 મહિલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. જેમાં 148 અપક્ષ ઉમેદવારો પણ સામેલ છે. રાષ્ટ્રીય પક્ષોમાં ભાજપ અને કોંગ્રેસના 66-66, બસપાએ 68, ભાકપા, મકપાએ ત્રણ-ત્રણ અને NCPએ પાંચ સીટો પર ઉમેદવારો ઊભા રાખ્યા છે. સૌથી વધારે 28 ઉમેદવારો નવી દિલ્હી વિધાનસભા સીટ પર અને સૌથી ઓછા ચાર ઉમેદવાર પટેલ નગર વિધાનસભા સીટ પર છે. નવી દિલ્હી સીટ પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં છે.

દિલ્હીમાં રજિસ્ટર્ડ કુલ 14786382 મતદાતાઓમાં 8105236 પુરુષ, 6680277 મહિલા અને 869 અન્ય મતદાતા છે. દરેક મતદાતાઓને ફોટોવાળા મતદાન ઓળખ કાર્ડ જાહેર કરી દેવામાં આવ્યા છે. દિલ્હીમા 498 અનિવાસી ભારતીય અને 11,608 સર્વિસ મતદારો પણ સામેલ છે. ઉલ્લેખનિય છે કે, 2015ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની કુલ 67 સીટો પર જીત થઈ હતી જ્યારે ભાજપને ત્રણ સીટો મળી હતી. જ્યારે કોંગ્રેસ પોતાનું ખાતુ પણ ખોલી શકી નહોતી. આ સિવાય 2019ની લોકસભાની ચૂંટણીમાં દિલ્હીની તમામ 7 લોકસભા સીટ પર ભાજપની જીત થઈ હતી.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈને દિલ્હી પોલીસે પણ પોતાની તૈયારી કરી લીધી છે. દિલ્હી પોલીસ મુજબ કુલ 2689 પોલિંગ બૂથોમાં 545 પોલિંગ બૂથને સંવેદનશીન માનવામાં આવ્યા છે. 21 કાઉન્ટિંગ સેન્ટર સ્કોરની મલ્ટિ લેયર સિક્યોરિટી ગોઠવવામાં આવી છે. કોઈ પણ આતંકી ઘટના રોકવા માટે પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. પહેલીવાર EVM મશીનને પહેલાથી જ પોલિંગ બૂથ પર પહોંચાડી દેવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.