ઇશાની પરમાર હત્યાકેસમા પરિવાર પર વજ્રઘાત, દીકરીને એરહોસ્ટેસ બનાવવાનું સ્વપ્ન રોળાયું

નડિયાદ: નડિયાદ શહેરના કર્મવીરનગર નજીક સુંદરવનમાં રહેતી અને અમદાવાદના આંબાવાડીમાં એરહોસ્ટેસનો કોર્સ કરવાની સાથે વકીલની ઓફિસમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતી ઇશાની સંદિપભાઇ પરમારની બુધવારના રોજ તેની ઓફિસમાં જ ઘાતકી હત્યા થઇ હતી. આ હત્યાના પગલે ઇશાનીનો પરિવાર ભાંગી પડ્યો હતો. આ સમાચાર સાંભળ્યા બાદ તેના પરિવારજનો પણ આઘાતમાં સરી પડ્યાં હતાં. દીકરીને એર હોસ્ટેસ બનાવવાનું સ્વપ્ન જોતા માતા અને પિતા લોહીથી લથપથ દિકરીનો મૃતદેહ જોઇ સુન થઇ ગયાં હતાં.

હત્યારો નરેશ પરણેલો હોવા છતાં તેણે પ્રેમજાળમાં ફસાવી

અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં નડિયાદની યુવતીની નિર્મમ હત્યા પ્રકરણમાં એલિસબ્રિજ પોલીસે હત્યારા શખસને ગઇકાલે જ સાબરકાંઠાના બાયડ-આંબલિયારા રહેતાં તેના ફઇબાએ પોલીસમથકમાં હાજર કરી દેતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. આ કેસમાં અનેક રહસ્યોના જાળા સર્જાયા છે. નરેશના લગ્ન થઇ ગયા હોવા છતાં તેણે ઇશાનીને પ્રેમજાળમાં ફસાવી હતી. બીજી તરફ તેનો ભાંડો ફુટી જતાં આ સમગ્ર ઘટના ક્રમ સર્જાયો હોવાનું જણાઇ રહ્યું છે

નરેશ અવાર-નવાર ઈશાનીને મોંઘીદાટ ગિફ્ટ પણ આપતો

નડિયાદની ઇશાનીની હત્યા કરનારાં નરેશ અરવિંદભાઇ સોઢા પરિણીત હોવા છતાં તેણે ઇશાની પરમારને પ્રેમજાળમાં ફસાવી હતી. તેને હરવા ફરવા પણ લઇ જતો હતો અને અવારનવાર મોંઘીદાટ ભેટ-સોગાદ આપતો હતો. આ સબંધ બાબતે મૃતક ઇશાનીના પરિવારને જાણ થઇ હતી અને તેથી અવારનવાર ઘરમાં તે બાબતે તકરાર થતી હતી. મૃતકના પિતા સંદિપભાઇએ પણ નરેશને ઇશાની સાથે સબંધ નહિ રાખવા અગાઉ ઠપકો પણ આપ્યો હતો.

આ ઘાતકી હત્યા પ્રકરણમાં આરોપી નરેશ સોઢાના બિલદરા ગામે રહેતાં પિતા અરવિંદભાઇ શનાભાઇ સોઢાએ જણાવ્યું હતું કે, પુત્ર નરેશના લગ્ન પાંચેક વર્ષ અગાઉ થયા હતા. જો કે, પુત્ર નરેશને અન્ય યુવતી સાથે પ્રેમ હોવાથી તેમણે સબંધ કાપી નાખવા ઘણીવાર સમજાવ્યો હતો. જેથી તેના પિતા અને પરિવારે તેને કંઇપણ કહેવાનું બંધ કરી દીધું હતુ. નરેશે અડધા લાખનું દેવું કરી નાખ્યું હતું. હત્યા કર્યા બાદ નરેશ તેના બાયડ-આંબલિયારા ગામે રહેતાં ફોઇબાના ઘરે જતો રહ્યો હતો. જ્યાંથી તેની પોલીસે ધરપકડ કરી હતી. પુત્ર આડા રસ્તે જતો હોઇ પિતાએ તેની સાથે બોલવાનું ઓછું કરી દીધું હતુ. તેમણે ઉમેર્યું કે અપલક્ષણ જોઇ તેને માર્યો પણ હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.