તક્ષશિલા અગ્નિકાંડને નવ માસ વીતી ચૂક્યા છે. આ કેસમાં 14 આરોપીઓ વિરુદ્ધ ક્રાઇમ બ્રાંચે ગુનો દાખલ કર્યો છે. આ પૈકી 13 આરોપીની ધરપકડ કરી જેલને હવાલે કરી દેવાયા છે. આ કેસમાં લાંબા સમયથી પોતાની ધરપકડ ટાળવા નાસતા ફરતા બિલ્ડર દિનેશ કાનજીભાઇ વેકરિયાને મંગળવારે સાંજે ક્રાઇમ બ્રાંચે દબોચી લીધો હતો. તો, બીજીબાજુ 22 જેટલા બાળકો જેના કબજા હેઠળની મિલકતમાં હંમેશા માટે ખામોશ થઇ ગયા તેવા ટયૂશન કલાસના સંચાલક ભાર્ગવ બુટાણીએ જામીન ઉપર મુક્ત થવા કોર્ટમાં અરજી કરી હતી.
રાજકોટ જિલ્લાના ઉપલેટ તાલુકામાં આવેલા રબારિકા ગામના વતની અને સુરતમાં વાલક ગામ કામરેજ ખાતે આવેલી અવધ રેસિડેન્સીમાં રહેતા દિનેશ કાનજીભાઇ વેકરિયા અત્યંત ચક્ચારી તક્ષશિલા અગ્નિકાંડ કેસના આરોપી છે. ક્રાઇમ બ્રાંચે તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરતા જ તેઓ ભૂગર્ભમાં ઊતરી ગયા હતા. તક્ષશિલા આર્કેડમાં ગેરકાયદે બાંધકામ કરી તેમાં ટયૂશન કલાસ ચલાવવા માટે ભાડે આપવાના ગુના હેઠળ તેમની સામે ફરિયાદ દાખલ થઇ છે.
આ ગુનામાં પોતાની ધરપકડ ટાળવા તેઓ છેલ્લા નવ માસથી ફરાર થઇ ગયા હતા. ક્રાઇમ બ્રાંચે કુલ 14 પૈકી 13 આરોપીઓની ધરપકડ કરી તમામને લાજપોર જેલને હવાલે કરી દીધા હતા. આ કેસમાં ડીસીબી દ્વારા કોર્ટમાં રજૂ થયેલી 4875 પાનાની દળદાર ચાર્જશીટમાં પણ બિલ્ડર દિનેશ વેકરિયાને ભાગેડુ જાહેર કરાયો હતો. લાંબા સમયથી તેઓ પોલીસ સાથે સંતાકુકડી રમી રહ્યાં હોય મંગળવારે ક્રાઇમ બ્રાંચે બાતમીને આધારે તેમને ઝડપી પાડયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.