50000ની વસ્તીએ એક ફાયર સ્ટેશનનો નિયમ છતાં વડોદરામાં 18 લાખની વસ્તીએ માત્ર 6 ફાયર સ્ટેશન

વડોદરા: સ્માર્ટ સિટીની વાતો કરતી વડોદરા મહાનગરપાલિકાના શાસનમાં રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવનાર ફાયર બ્રિગેડને સુવિધાઓ પૂરી પાડવામાં ઉંણું ઉતર્યું છે. વડોદરા શહેરની 18 લાખની વસ્તી સામે 36 ફાયર સ્ટેશનોની જરૂરીયાત સામે માત્ર 6 ફાયર સ્ટેશનો છે. કારણ કે, 50 હજારની વસ્તીએ એક ફાયર સ્ટેશન હોવાનો નિયમ છે. એતો ઠીક ફાયર બ્રિગેડમાં જરૂરીયાત મુજબ સ્ટાફ હોવો જોઇએ, તેટલો સ્ટાફ પણ નથી.

કુદરતી તેમજ માનવ સર્જીત આપત્તિ, આગ જેવા નાની-મોટી ઘટનાઓમાં ફાયર બ્રિગેડ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવે છે. વડોદરા શહેરની વસ્તી વધવા સાથે વિસ્તાર પણ વધ્યો છે. પરંતુ વડોદરા મહાનગરપાલિકામાં બેસીને સ્માર્ટ સિટીની વાતો કરી રહેલા શાસકો દ્વારા ફાયર બ્રિગેડને સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ પુરવાર થયું છે. વડોદરાની હાલની વસ્તી પ્રમાણે 36 ફાયર સ્ટેશનો જરૂરી છે. પરંતુ તેની સામે દાંડીયા બજાર, પાણીગેટ, છાણી ટી.પી.-13, મકરપુરા જીઆઇડીસી, વડીવાડી અને ગાજરાવાડી મળી કુલ 6 ફાયર સ્ટેશનો જ છે. એતો ઠીક ફાયર બ્રિગેડમાં વર્ષ-2019 પ્રમાણે 450 સ્ટાફ હોવો જોઇએ. પરંતુ, હાલ માત્ર 267 સ્ટાફ છે. ફાયર બ્રિગેડમાં અપુરતો સ્ટાફ હોવા છતાં રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવી રહ્યું છે.

ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, નિયમ પ્રમાણે 50 હજારની વસ્તી પ્રમાણે એક ફાયર સ્ટેશન હોવું જોઇએ. પરંતુ માત્ર 6 ફાયર સ્ટેશનો જ છે. અને સ્ટાફની વાત કરીએ તો 450નો સ્ટાફ હોવો જોઇએ. તેના બદલે માત્ર 267 સ્ટાફ છે. વડોદરા ફાયર બ્રિગેડમાં જરૂરી સાધનોનો પણ અભાવ છે. તેમ છતાં વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જોકે, વર્ષ-2020-21ના બજેટમાં કારેલીબાગ અને વાસણા વિસ્તારમાં ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન સૂચવવામાં આવ્યું છે. જ્યારે ગાજરાવાડી ફાયર સ્ટેશન ડભોઇ રોડ સોમા તળાવ પાસે શિફ્ટ કરવામાં આવી રહ્યું છે. વધુમાં જણાવ્યું હતું કે, દાંડિયા બજાર ખાતેની જગ્યા ઉપર નવું બિલ્ડીંગ બનાવવામાં આવશે. હાલ શેડ બનાવીને ટેન્કર મૂકવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.