LRD ભરતીમાં 2018ના GRને લઇને અનામત અને બિનઅનામત સમાજની મહિલાઓ સરકારની સામે આંદોલન પર ઉતરી હતી. બે મહિનાના આંદોલન પછી સરકારે બંને પક્ષના આગેવાનો સાથે બેઠક કરીને LRDમાં મહિલાઓની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ આંદોલન કરાવવા મથી રહી હોવાના આક્ષેપો કર્યા હતા.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ બધા વિરોધ કરનારાઓ માત્રને માત્ર રાજકારણ કરવા નીકળેલા લોકો છે. મૂળ વાત જે દીકરીઓ નોકરી માટે આંદોલન કરતી હતી, તેમાં દરેક વર્ગની દીકરીઓને મોટી સંખ્યામાં નોકરી મળી રહી છે ત્યારે આ બધા લોકો ભોઠાં પડ્યા છે અને ખુલ્લાં પડી ગયા છે. તેમને માત્ર આંદોલનના નામે રાજકારણ કરવું છે. સીધું સાવ સ્પષ્ટ છે કે, જે દીકરીઓને નોકરી માટે 18નો GR નડતો હતો. ગુણવત્તા અને મેરીટ હોવા છતાં નોકરી નહોતી મળતી સરકારે એ GRને બાજુમાં મુકીને સ્પષ્ટ નિર્ણય કરીને જુની પદ્ધતિ મૂજબ ભરતી થઇ રહી છે ત્યારે અનામતનું રક્ષણ કરવામાં આવ્યું છે. મારો ખુલ્લી પડકાર છે કે, આ નિર્ણયથી ગુજરાતના તમામ સમાજના લોકોને લાભ થયો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તમામ સમાજની વધુ દીકરીઓને નોકરી મળી છે. 18નો GR રદ્દ કરીને નોકરી આપવાની વાત કરે તો દીકરીઓને નોકરી આપવાની સંખ્યા ઘટે છે, એના બદલે અમે બધા સમાજની દીકરીઓને વધુ નોકરી આપવાની વાત કરી છે. સરકારે લાંબી વિચરણા પછી સૌનો સાથે અને સૌનો વિકાસ અને ગુજરાતના સમાજ જીવનમાં વૈમનસ્ય ન થાય એ મહત્ત્વનું છે. કોંગ્રેસે હંમેશાં સમાજ-સમાજને ઝઘડાવ્યા, સમાજ વચ્ચે અંતરો થાય તે માટે રાજકારણ કર્યું છે. ભુતકાળના આંદોલન કોંગ્રેસે કરાવ્યા છે અને અત્યારે કોંગ્રેસ આ બાબતે મથી રહી હોય તેવું હું માનું છું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.