નરેન્દ્ર મોદી આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના મંચ પરથી આતંકવાદ સામે યુદ્ધની હાકલ કરશે
સંયુક્ત રાષ્ટ્ર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ને સંબોધિત કરશે. તેમનું આ ભાષણ સાંજે લગભગ 7:50 વાગ્યે શરૂ થશે. કહેવામાં આવી રહ્યું છે કે, પીએમ મોદી આ મંચથી સમગ્ર દુનિયાને આતંકવાદની વિરુદ્ધ લડાઈ માટે એકજૂથ કરશે. પીએમ મોદી બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan) પણ ભાષણ કરશે.
પીએમ મોદી શું કહેશે?
ગત રવિવારે હ્યૂસ્ટનમાં યોજાયેલા ‘હાઉડી મોદી’ (Howdy Modi) કાર્યક્રમમાં પણ પીએમ મોદીએ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યુ હતું કે હવે સમય આવી ગયો છે કે તેની વિરુદ્ધ નિર્ણાયક યુદ્ધ લડવામાં આવે. માનવામાં આવી રહ્યું છે કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પીએમ મોદી ફરી એકવાર પાકિસ્તાન પર નિશાન સાધી શકે છે. હાઉડી મોદી કાર્યક્રમમાં પાકિસ્તાનનું નામ લીધા વગર તેઓએ કહ્યુ હતું કે, ભારતના નિર્ણયો (કાશ્મીર પર)થી તેમને વાંધો છે, જેમને પોતાનો દેશ સંભાળી નથી શકાતો. આ એ છે જે ચરમપંથને પ્રોત્સાહન આપે છે.
ઈમરાન ખાન શું કહેશે?
બીજી તરફ, ઈમરાન ખાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ફરી એકવાર કાશ્મીરનો રાગ આલાપી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનની પાસે કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવવાની આ અંતિમ તક હશે. આ મુદ્દે અત્યાર સુધી પાકિસ્તાનને દરેક સ્થળેથી નિરાશા હાથ લાગી છે.
‘ભારત-પાકિસ્તાન મુદ્દો ઉકેલી દે’
ગુરુવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump)એ કહ્યુ હતું કે, ભારત અને પાકિસ્તાન બે પરમાણુ શક્તિઓ છે અને એવામાં બંને દેશોને કાશ્મીર (Kashmir)નો મુદ્દો ઉકેલી લેવો જોઈએ. તેઓએ એમ પણ કહ્યુ કે તેઓ બંને દેશોની વચ્ચે મુદ્દો ઉકેલવા માટે તમામ પ્રયાસ કરશે.
ભારતનું માનવું છે કે કાશ્મીર એક દ્વિપક્ષીય મુદ્દો છે અને તેમાં કોઈ ત્રીજા દેશની દખલ તેમને મંજૂર નથી. ટ્રમ્પની વાતો પર પ્રતિક્રિયા આપતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યુ કે, આ મુદ્દે વડાપ્રધાન અને વિદેશ સચિવ પહેલા જ પોતાની વાત રજૂ કરી ચૂક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.