ટ્રમ્પની મુલાકાતને કારણે હજુ કેટલું થશે, ઝૂંપડપટ્ટીમાં રહેતા 45 પરિવારને જગ્યા ખાલી કરવા AMCની નોટિસ

અમદાવાદ: AMCએ સોમવારે મોટેરા ગામથી વિસત હાઈ વે આસપાસની ઝૂંપડપટ્ટીમાં રહેતા 45 પરિવારને જગ્યા ખાલી કરવાની નોટિસ આપી છે. આ નોટિસમાં તેમને 7 દિવસની અંદર જગ્યા ખાલી કરવા માટે કહેવાયું છે. ઝૂંપડપટ્ટીઓમાં રહેતા લગભગ 200 લોકોએ દાવો કર્યો છે કે ‘નમસ્તે ટ્રમ્પ’ ઈવેન્ટ માટે તેમને જગ્યા ખાલી કરવા માટે કહેવાયું છે. તેઓ લગભગ 20 વર્ષથી અહીં રહે છે. જોકે AMCના અધિકારીઓનું કહેવું છે કે આ નોટિસને ટ્રમ્પના કાર્યક્રમ સાથે કોઈ સંબંધ નથી. નોટિસ મુજબ, કોઈપણ અપીલ મામલે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને બુધવાર સુધીમાં વિભાગનો સંપર્ક કરવા માટે કહેવાયું છે. ઉલ્લેખનીય છે કે, 24 ફેબ્રુઆરીના રોજ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવાના છે.

છેલ્લા 22 વર્ષથી અહીં રહેતા 35 વર્ષીય સ્થાનિકે મીડિયાને કહ્યું કે, નોટિસ આપવા માટે આવેલા AMCના અધિકારીઓએ અમને જલ્દીથી જલ્દી જગ્યા ખાલી કરવા માટે કહ્યું છે. અન્ય એકસ્થાનિક અનુસાર, આ તમામ લોકો મજૂરો છે. મોટેરા સ્ટેડિયમના રસ્તાથી લગભગ 1.5 કિલોમીટરના અંતરમાં રહેતા 65 પરિવારમાંથી 45 પરિવારને AMCના એસ્ટેટ એન્ડ ટાઉન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટે નોટિસ આપી છે.

AMCએ પાઠવેલી નોટિસમાં કહ્યું છે કે આ દબાણ કરેલી જગ્યા AMC અંતર્ગત આવે છે અને તે એક ટાઉન પ્લાનિંગનો ભાગ છે. ઝૂંપડપટ્ટીવાળા લોકોને સાત દિવસની અંદર પોતાનો સામાન હટાવવા માટે કહેવાયું છે. કોઈપણ અપીલ મામલે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને બુધવાર સુધીમાં વિભાગનો સંપર્ક કરવા માટે કહેવાયું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.