પ્રજાના પૈસે લાખોના મોબાઇલ ખરીદો છો અને બસમાં બેસવાનું નાટક કરો છો ?સુરત ના મેયરને ફેસબુક પર શહેરીજનોએ લીઘા આડે હાથ

સુરત મહાનગર પાલિકાના શાસક પક્ષના ચાર પદાધિકારીઓ માટે 1.14 લાખના એક એવા ચાર મોબાઇલ ખરીદવા મુદ્દે વિવાદ થયો છે. એકબાજુ કરકસરની સુફિયાણી વાતો કરતા શાસકો માટે મનપાના શાસકોએ આવા મોંઘા મોબાઇલ ખરીદતાં વિવાદ થયો છે. જે મુદ્દે મનપાની સામાન્ય સભામાં વિપક્ષના સભ્યોએ પણ શાસકો પર આકરા પ્રહારો કર્યા હતા. જો કે, આ મુદ્દે બેક ફૂટ પર આવી ગયેલા શાસકોએ જવાબમાં એક હરફ પણ ઉચ્ચારવાનું ટાળ્યું હતું. કોંગ્રેસના સભ્ય અસલમ સાયકલવાલાએ આ મુદ્દે ટકોર કરતાં જણાવ્યું હતું કે, ‘હવે સ્ટેટસ જાળવવા માટે કારમાં પણ ઇનોવાને બદલે મર્સિડીઝ કે ઓડી વાપરો અને પ્રજાના કરવેરાનાં નાણાં ફૂંકો’. જો કે, દરેક મુદ્દે વિપક્ષને જવાબ આપવા ટેવાયેલા મેયર ડો.જગદીશ પટેલ આ મુદ્દે ચૂપ રહેતાં વિપક્ષી નેતા પપ્પન તોગડિયાએ કોમેન્ટ કરતાં કહ્યું હતું કે, ‘કેમ ચૂપ થઇ ગયા, જવાબ તો આપો’. મનપાની સામાન્ય સભા ઉપરાંત ફેસબુક પર પણ મેયરને મોબાઇલ મુદ્દે શહેરીજનોએ આડે હાથ લીધા હતા.
મેયરે પોતાની ફેસબુક વોલ પર શહેરીજનોને મનપાની સિટીલિંકની બસનો ઉપયોગ કરવા અને તમામ નગર સેવકોને સામાન્ય સભામાં આવે ત્યારે સિટી બસનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. તેમજ પોતે દર અઠવાડિયે એક દિવસ સિટી બસમાં આવી રહ્યા હોવાની વાત કરી હતી. તેથી તેના ફોલોઅર્સ દ્વારા મેયરને આડે હાથ લઇ બસમાં આવવું તો માત્ર દેખાડો છે. જો સાદગી જ અપનાવવી હોય તો લાખોના મોબાઇલ પ્રજાના પૈસે ખરીદવાની શી જરૂર છે? વગેરે સવાલો કરી ટ્રોલ કર્યા હતા.

ફેસબુકમાં લાખેણા મોબાઇલ બાબતે મેયર પર થયેલી કોમેન્ટ્સ
-સુરત મેયરે પબ્લિકના રૂપિયામાંથી 4.60 લાખના 4 આઈફોન દીવાળી કરવા લીધા… વેરો બાકી હોય તો જલદી ભરી દો.. હજી બીજા મોબાઈલ લેવાના છે.
-જનતાના રૂપિયા બચાવે છે તેવું માત્ર નાટક બતાવવા મેયર દર બુધવારે બસમાં સફર કરે છે. અને પાછા જનતાના રૂપિયાથી લાખોના મોબાઈલ લે છે.
-1.25 લાખનો મોબાઈલ ખિસ્સામાં હોય અને સાહેબ બસમાં મુસાફરી કરે.
-જનતાના પૈસાના મોબાઈલ….? ખૂબ સરસ કાર્ય કર્યું (કટાક્ષ)
-આવા ડબલ સ્ટાન્ડર્ડને સુરતની જનતા ક્યારેય માફ નહીં કરે, માત્ર નૌટંકી કરતા હોય તેવું લાગી રહ્યુ છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.