અરૂણાચલ પ્રદેશ પહોંચેલા અમિત શાહને લાગ્યો મોટો ડર, અફવા વિશે કરી સ્પષ્ટતા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અરૂણાચલ પ્રદેશની મુલાકાતે ગયા હતા. જ્યાં તેઓએ આર્ટિકલ 370 નાબૂદ કર્યા બાદ હવે અફવા ફેલાવવામાં આવી રહી છે કે આર્ટિકલ 371 પણ નાબૂદ થશે પરંતુ આવું કદી નહીં થાય તેવી સ્પષ્ટતા કરી હતી. અમિત શાહે કહ્યું કે 33 વર્ષ પહેલાં આજના દિવસે જ અરૂણાચલ રાજ્યની સ્થાપના થઈ હતી. અને છેલ્લાં છ વર્ષમાં પીએમ મોદી અને પેમા ખાંડુના શાસનમાં આ પ્રદેશનો વિકાસ થઈ રહ્યો છે તેમ જણાવ્યું. શાહે વધુમાં કહ્યું કે ભારતની સંસ્કૃતિ નોર્થ ઈસ્ટની સંસ્કૃતિ વગર અધૂરી જ નહીં અપંગ પણ છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે 2014 પહેલાં પૂર્વોત્તરના રાજ્ય માત્ર ભૌગોલિક રીતે જ ભારત સાથે જોડાયેલા હતા, પરંતુ તેમનું સાચું જોડાણ તો મોદી સરકારના શાસનમાં થયું છે. તેઓએ પૂર્વોત્તરમાં ઉગ્રવાદ, સરહદોને લઈને અંતર-સરકારી સંઘર્ષ જેવી સમસ્યાઓ નાબૂદ થાય તેવી પણ ઈચ્છા દાખવી હતી. અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે 2024માં જ્યારે મત માગવા આવીશું ત્યારે પૂર્વોત્તરના રાજ્યોને આ સમસ્યાઓથી મુક્તિ મળી ગઈ હશે.

અરૂણાચલ પ્રદેશના સ્થાપના દિવસનાં રોજ અમિત શાહની મુલાકાતને લઈને ચીને આપત્તિ વ્યક્ત કરી છે. ચીનના વિદેશ મંત્રાલયે દાવો કર્યો કે તેમની આ યાત્રા બેઈજિંગના ક્ષેત્રીય સંપ્રભુતાનું ઉલ્લંઘન છે અને તે રાજકીય વિશ્વાસ પર પ્રહાર કરે છે. ચીને અમિત શાહની યાત્રાનો દ્રઢતાથી વિરોધ કરે છે તેમ જણાવ્યું હતું. ચીન અરૂણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટનો ભાગ માને છે અને તેના પર દાવો કરે છે. ત્યારે આ વિસ્તારમાં ભારતના કોઈ પણ નેતાની મુલાકાતને લઈને ચીન ચંચુપાત કરતું રહ્યું છે. તો ચીનના વાંધા સામે ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે ચીનની આપતિ કારણ વગરની છે. અરૂણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે અને ભારતીય નેતા નિયમિત રીતે દેશના તમામ પ્રદેશોની મુલાકાત લેતા હોય છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું  કોઈ નેતા દ્વારા અરૂણાચલની મુલાકાત અંગે ચીનની આપત્તિને લઈને કોઈ ઠોસ કારણ જોવા નથી મળતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.