ખંભાત શહેરમાં હિન્દુ સમુદાય દ્વારા આજે ખંભાત બંધનું એલાન આપાયું હતું અને મોટી સંખ્યામાં લોકો ગવારા ટાવર પાસે ભેગા થયા હતા. અહીયા વિવિધ સંગઠનો દ્વારા રેલીને સંબોધ્યા બાદ રેલી નીકળી હતી ત્યારે રેલીમાં જોડાયેલા તોફાની ટોળાઓ દ્વારા ભારે પથ્થરમારો કરી એક મકાનને આગ ચાંપી હતી તેમજ ત્રણ જેટલા કેબીનોની તોડફોડ કરી સ્કુટર, મોટરસાયકલ જેવા વાહનોને આગચંપી હતી. આ ઘટના પછી મામલો બેકાબૂ બન્યો હતો. પોલીસ દ્વારા માંડમાંડ રેલીને વિખેરી દેવામાં આવી હતી અને રેપીડ એક્શન ફોર્સ તેમજ એસઆરપીના જવાનોએ સમગ્ર શહેરમાં પેટ્રોલિંગ સઘન કરી દીધું હતું.
ખંભાતની આ ઘટના વિશે ગુજરાત કોંગ્રેસના નેતા મનીષ દોષીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સરકાર પર આરોપ મુકતા કહ્યું છે કે ”ગૃહ વિભાગ પોતાની જવાબદારીથી છટકી જાય છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળવાની હોય ત્યારે પોલીસ આંખ આડા કાન કરે છે. ખંભાતવાસીઓ આ સમયે શાંતિ રાખે એ બહુ જરૂરી છે. સરકાર મતની રાજનીતિના બદલે કડકાઈથી કામ કરે એ જરૂરી છે. ગુજરાતના કોઈ પણ ખૂણે હિંસાની ઘટના બને એ ચલાવી ન લેવાય. ભાજપની સરકાર અને ગૃહ વિભાગ જવાબદારીમાંથી છટકી રહ્યો છે.”
નોંધનીય છે કે ખંભાત શહેરથી રવિવારે બે જૂથ વચ્ચે થયેલી અથડામણ બાદ સમગ્ર વિસ્તારમાં તોફાન ફેલાઈ ગયા હતા. આ મામલે આણંદ પોલીસે 45 જેટલા લોકોની ધરપકડ કરી છે. આ જૂથ અથડામણમાં ચાર મહિલા પોલીસ સહિત 13 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે આ મામલે 4 અલગ-અલગ ગુનાઓ નોંધ્યા છે. ચુનારા સમાજ અને મુસ્લિમ સમાજના 1000 લોકોના ટોળાની સાથે 95 જેટલા લોકોના નામનો આરોપીઓ તરીકે ઉલ્લેખ કરાયો છે. ખંભાત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, 33 આરોપીઓએ ટોળા સાથે મળીને અકબરપુરામાં આવેલી મસ્જિદ અને દરગાહમાં તોડફોડ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.