આજે 26 ફેબ્રુઆરી, બાલાકોટ એર સ્ટ્રાઈકનું એક વર્ષ પૂરું, વાયુદળના હાલના અને માજી વડા સાથે વાતચીત

વાયુદળના વડા આર.કે.એસ ભદૌરિયાએ જણાવ્યું હતું કે, બાલાકોટ એર સ્ટ્રાઈકને 26 ફેબ્રુઆરીએ એક વર્ષ પૂરું થઈ રહ્યું છે. મારું માનવું છે કે જંગ યુનિફોર્મમાં સજજ યોદ્ધાઓના સામૂહિક સાહસ અને પ્રયાસોના આધારે જ લડી શકાય છે. બાલાકોટ એર સ્ટ્રાઈક સીમા પારથી ચલાવાઈ રહેલા આતંકવાદ વિરુદ્ધ ભારતની કાર્યવાહીથી મહત્ત્વપૂર્ણ પરિવર્તન આવતું દેખાય છે. આ કાર્યવાહીમાં પરંપરાગ ત જંગથી અલગ હાલતમાં એર પાવરનો ઉપયોગ કરી વ્યૂહરચના બદલી નાંખી છે. અમે દુશ્મનોને સ્પષ્ટ સંદેશો આપ્યો કે કોઈપણ નાપાક હરકત કરવાથી વાયુદળ ઘરમાં ઘૂસીને મારી શકે છે. અમે દરેક પ્રકારના જંગ માટે તૈયાર છીએ. અમે વિવિધ ક્ષેત્રમાં એક સાથે યોગ્ય કાર્યવાહી કરવા અને જંગથી લઈ આતંકવાદ જેવી ઓછા સ્તરની લડાઈના જોખમ સામે લડવા સંપૂર્ણપણે સક્ષમ છીએ. આગામી બે દાયકામાં આપણું વાયુદળ એવા અત્યાધુનિક સંસાધનોથી સુસજ્જ થશે કે જેનાથી વિશ્વમાં આપણી એક અલગ ઓળખ ઊભી થશે. તેમાં લાઈટ કોમ્બેટ એર ક્રાફ્ટ, એમ.કે.-2, એડવાન્સ મીડિયમ કોમ્બેટ એર ક્રાફ્ટ, એડવાન્સ સેન્સર ટેકનોલોજી, સ્માર્ટ વિંગમેન કન્સેપ્ટ, હાઈપરસોનિક વેપન્સનો સમાવેશ થાય છે. ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ અને પ્રોડક્શનમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા આ સર્વોપરિ મિશન માટે વાયુદળ સમગ્ર રીતે તૈયાર છે.

વાયુદળના માજી વડા બીએસ ધનોઆના જણાવ્યા અનુસાર બાલાકોટ એર સ્ટ્રાઈક પછી પાક.ના એફ-16 વિમાનને તોડી પાડનાર જાંબાજ પાઈલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન આજે દેશના સશસ્ત્ર દળની મજબૂતીનો ચહેરો બની ગયા છે. પસંદગી અને તાલીમ એ બેના આધારે જ પાઈલટ તૈયાર થાય છે. કોઈપણ પાઈલટને ઓપરેશન માટે સમગ્ર રીતે તૈયાર જાહેર કરતા પહેલા એ નક્કી કરાય છે કે તે દરેક પ્રકારના મિશન માટે સક્ષમ છે કે નહીં. કોમ્બેટ મિશનમાં જે હાલત પેદા થવાની આશંકા છે તે તમામ હાલતમાંથી પસાર થઈને પાઈલટની પ્રતિક્રિયાની ચકાસણી કરાય છે. પ્રારંભમાં તેમને દિવસના મિશનની તાલીમ અપાય છે. ત્યારપછી ચાંદની રાત, પછી અંધારી રાત અને સૌથી છેલ્લે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયના મિશનની તાલીમ અપાય છે. સમગ્ર રીતે ઓપરેશન જાહેર થયા પછી પાઈલટે કોઈપણ આકસ્મિક સ્થિતિ માટે તૈયાર રહેવાનું હોય છે. પાઈલટના દૈનિક ઉડ્ટયન અભ્યાસમાં અસલી યુદ્ધની તાલીમ પણ સામેલ છે. તેમાં ઇજેકશનને છોડ્યા સિવાય તમામ હાલતની તાલીમ અપાય છે. પાઈલટને જંગલ અને બરફમાં પડ્યા પછી જીવતા રહેવા માટે અને દુશ્મનોની કેદથી બચવાનું પણ શીખવાડાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.